જાપાન- ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે તણાવ ઓછો નથી થઈ રહ્યો ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની એશિયા યાત્રા દરમિયાન શું સમાધાન થઈ શકે છે તેના ઉપર નિષ્ણાતોની નજર છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના એશિયા પ્રવાસ દરમિયાન કહ્યું કે, જો નોર્થ કોરિયા ફરીવાર મિસાઈલ પરીક્ષણ કરે તો, જાપાન તેમના ઉપર રક્ષાત્મક હુમલો કરી શકે છે. જવાબમાં જાપાનના પીએમ શિંઝો એબેએ કહ્યું કે, જરુર જણાશે તો જાપાન નોર્થ કોરિયાના મિસાઈલને રોકવા સક્ષમ છે, પરંતુ જાપાન સમાધાનનો માર્ગ અપનાવવા પ્રયાસ કરશે.
આપને જણાવી દઈએ કે, નોર્થ કોરિયા સતત તેના પરમાણુ કાર્યક્રમને આગળ વધારતું રહ્યું છે. સાથે નોર્થ કોરિયાનો તાનાશાહ કિમ જોંગ અમેરિકાને અવારનવાર યુદ્ધની ધમકીઓ આપતો રહે છે. આ સિવાય થોડા સમય પહેલા નોર્થ કોરિયાએ જાપાનના સમુદ્રને ટાર્ગેટ કરીને બે વાર મિસાઈલ પરીક્ષણ કર્યું હતું.
ઉત્તર કોરિયા વિશ્વ માટે છે ખતરો
અશિયા પ્રવાસના બીજા દિવસે અમેરિકન પ્રેસિડેન્ટે જણાવ્યું કે, ઉત્તર કોરિયાનો પરમાણુ કાર્યક્રમ વૈશ્વિક સભ્યતા અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટે જોખમરુપ છે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે, હવે રાજકીય ધૈર્યનો સમય પુરો થઈ રહ્યો છે. જોકે ટ્રમ્પ આ પહેલા પણ જણાવી ચુક્યા છે કે, ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને રોકવા અમેરિકા કોઈ પણ પગલા લઈ શકે છે.