સીએટલ (અમેરિકા): ઈ-કોમર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડિજિટલ સ્ટ્રીમિંગ જેવા ક્ષેત્રોની અમેરિકન મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની એમેઝોનના સ્થાપક અને અબજોપતિ જેફ બેઝોસે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે દાન કરવું એક કઠિન કાર્ય છે અને પોતે ક્લાઈમેટ ચેન્જ સમસ્યા સામે જંગ ખેલતી ચેરિટી સંસ્થાઓને પોતાની 124 અબજ ડોલરમાંની મોટા ભાગની સંપત્તિ દાનમાં આપશે.
સીએનએન ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં બેઝોસે કહ્યું કે પોતે અને એમના જોડીદાર લૌરીન સાન્ચેઝ આ સંપત્તિ દાનમાં આપી દેવા માટેની ક્ષમતા બનાવી રહ્યાં છે. દાન કરવું એ આસાન કામ નથી. એમેઝોનનું નિર્માણ કરવાનું કામ આસાન નહોતું. એને માટે ઘણી મહેનત કરવી પડે. દાન કરવું એ અત્યંત કઠિન કામ છે.
