અહમદિયા શખસને SCએ મુક્ત કરતાં પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ નારાજ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ફરી એક વાર કટ્ટરપંથીઓનો આતંક જોવા મળ્યો છે. ઇશનિંદાના ચુકાદાના વિરોધમાં સેંકડોની સંખ્યામાં કટ્ટરપંથીઓ સુપ્રીમ કોર્ટમાં ઘૂસી ગયા હતા. પાકિસ્તાનના ચીફ જસ્ટિસ કાજી ફૈજ ઇસે એક અહમદિયા શખસને ઇશનિંદાના આરોપોથી મુક્ત કર્યો હતો. જેથી કટ્ટરપંથી એટલા નારાજ થયા કે તેમણે ચીફ જસ્ટિસના માથા પર રૂ. એક કરોડનું ઇનામ રાખી દીધું હતું.

પાકિસ્તાની અખબાર ડોનના અનુસાર કોર્ટના નિર્ણય વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ આલમી મજલિસ તહાફ્ફુઝ-એ-નબુવત કરી રહ્યું હતું. આમાં જમાત-એ-ઇસ્લામી અને જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUIF)ના નેતાઓ પણ તેમને સમર્થન આપી રહ્યા હતા. તેઓ પાકિસ્તાનના ચીફ જસ્ટિસના રાજીનામાની માગ કરી રહ્યા હતા. તેમની એ પણ માગ હતી કે કોર્ટ પોતાનો ચુકાદો પલટી નાખે.

સુપ્રીમ કોર્ટની બહાર હજ્જારો પ્રદર્શનકારીઓએ સુરક્ષા કોર્ડન તોડી નાખ્યું હતું. તેઓ બિલ્ડિંગ પાસે પહોંચ્યા. તેમને કોર્ટમાં પ્રવેશતા રોકવા માટે પોલીસે વોટર કેનન, ટિયરગેસ અને લાઠીચાર્જનો આશરો લીધો હતો. હવે વિરોધનું નેતૃત્વ કરી રહેલા સંગઠન આલમી મજલિસે હવે સુપ્રીમ કોર્ટને તેના ચુકાદાની સમીક્ષા કરવા માટે સાત સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.આને કારણે શરૂ થયો વિવાદ

આ વિવાદ 6 ફેબ્રુઆરી 2024એ સુપ્રીમ કોર્ટે અહમદિયા સમુદાયના મુબારક અહેમદ સાનીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સાનીની 7 જાન્યુઆરી 2023એ ધરપકડ કરવામાં આવી હતી. સાની પર 2019માં એક કોલેજમાં ‘એફસીર-એ-સગીર’નું વિતરણ કરવાનો આરોપ હતો. એફસીર-એ-સગીર એ અહમદિયા સમુદાય સાથે સંકળાયેલું એક ધાર્મિક પુસ્તક છે. જેમાં અહમદિયા સંપ્રદાયના સંસ્થાપકના પુત્ર મિર્ઝા બશીર અહેમદે કુરાનનું પોતાની રીતે અર્થઘટન કર્યું છે. કુરાન (પ્રિન્ટિંગ અને રેકોર્ડિંગ) (એમેન્ડમેન્ટ) એક્ટ, 2021 હેઠળ સાનીની ધરપકડ કરવામાં આવી હતી.