ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના અર્થતંત્રને લઈને એક માઠા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ ફક્ત 1.1 ટકા રહી છે. પહેલી ત્રિમાસિકમાં સ્થિતિ વધુ ખરાબ રહી હતી, જ્યાં વૃદ્ધિ દર ફક્ત 0.74% નોંધવામાં આવી હતી. આ ઘટાડો ખૂબ જ નોંધપાત્ર છે, કારણ કે નાણાકીય વર્ષ 2024માં કૃષિ ક્ષેત્રે પહેલી અને બીજા ત્રિમાસિકમાં 8 ટકા કરતાં વધુ વૃદ્ધિ નોંધાઈ હતી. જળ સંકટ અને મોંઘી વીજળીએ મુશ્કેલી વધારી છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2024માં નહેરોમાં પાણી 3.4 ટકા કરતાં ઓછું રહ્યું હતું. વરસાદ સામાન્ય કરતાં 40 ટકા ઓછો થયો હતો, જેને કારણે દુકાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ટ્યુબવેલથી સિંચાઈ માટે વીજળીના દરમાં પણ 20 ટકા વધારો થયો. જેના કારણે ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની છે અને પાકને અસર પહોંચી.
પાક ઉત્પાદનમાં Q1માં -6.57 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે Q2માં -5.38 ટકાનો ઘટાડો થયો છે.
કયા પાકોને નુકસાન થયું?
- કપાસનું ઉત્પાદન 30.7 ટકા ઘટીને 7.08 મિલિયન ગાંસડીનું રહ્યું હતું.
- મકાઈમાં 15.4 ટકાનો ઘટાડો થયો હતો
- ચોખામાં 1.4 ટકાનો ઘટાડો અને
- શેરડીમાં 2.3 ટકાની ઘટ નોંધાઈ છે.
વળી, હાલના જલ સંકટને કારણે આવતા વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2026માં પણ પાક ઉત્પાદન ઘટવાની આશંકા છે. જો સરકાર કૃષિ ઋણ, સંગ્રહ ક્ષમતા અને બજાર સુધારાઓ પર ઝડપથી પગલાં નહીં લે, તો પાકિસ્તાનની કૃષિ અર્થતંત્ર લાંબા સમય સુધી સંકટમાં ફસાઈ શકે છે.
પાકિસ્તાનનું કૃષિ અર્થતંત્ર એક ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. સતત ઘટતું ઉત્પાદન, વધી રહેલા ખર્ચ અને નીતિગત નિષ્ફળતાઓએ ખેડૂતોની હાલત નાજુક બનાવી છે. જો તાત્કાલિક સુધારા નહીં થાય તો આવનારાં વર્ષો વધુ મુશ્કેલભર્યાં સાબિત થશે.
