માલદીવ પછી નેપાળમાં પણ ચીને કર્યો ‘ખેલો’?

કાઠમંડુઃ નેપાળના રાજકારણમાં ખેલા થયો છે. હાલના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ (પ્રચંડ) અને ભૂતપૂર્વ વડા પ્રધાન શેરબહાદુર દેઉબાનું આશરે 15 મહિના સુધી ચાલેલું ગઠબંધન તૂટી ગયું છે. PM પુષ્પ કમલે કેપી ઓલીની સાથે ગઠબંધન કરતાં હવે નવી સરકાર બનાવવાની ઘોષણા કરી છે.

નેપાળમાં અત્યાર સુધી માઓવાદી સેન્ટર અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર રહી હતી, પણ નેશનલ એસેમ્બલીના ચેરમેનવાળા સવાલ પર દેશની બંને મોટી પાર્ટીઓની વચ્ચે અંતર વધવા લાગ્યું હતું. આમાં ચીની એમ્બેસેડરની ભૂમિકાની પણ ચર્ચા છે. આ પહેલાં ચીને કેટલીય વાર વામપંથી એકતા પર ભાર આપ્યો હતો, જેથી ફરી એક વાર આ હિમાલય રાષ્ટ્રમાં એનો પ્રભાવ વધી શકે. દેઉબાને ભારતના સમર્થક માનવામાં આવતા હતા, જ્યારે તેઓ સત્તા પર આવ્યા હતા, ત્યારે તેમણે નવી દિલ્હી સાથે સંબંધો સામાન્ય કર્યા હતા.

જ્યારે દેઉબાથી પહેલાં નેપાળના વડા પ્રધાન રહેલા કેપી શર્મા ઓલીને ચીનના સમર્થક માનવામાં આવે છે. ઓલીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. ઓલીએ ચીની રાજદૂતના ઇશારે નેપાળનો નવો નકશો જારી કર્યો હતો, જેમાં તેમણે ભારતના લિંપિયાધુરા અને કાલાપાનીને નેપાળનો ભાગ ગણાવ્યો હતો.

નેપાળમાં જ્યારથી નવા રાજદૂત આવ્યા છે, ત્યારથી તેમણે અનેક વાર પ્રચંડ અને ઓલીથી મુલાકાત કરી હતી. હાલના દિવસોમાં ચીન વામપંથી એકતા પર ભાર આપી રહ્યું છે. એમાં ચીનનો ઇરાદો નેપાળમાં પોતાનો પ્રભાવ વધારવાનો છે. વળી, જિનપિંગ સરકાર કેપી ઓલીને સત્તામાં લાવવા ઇચ્છે છે અને એમાં કંઈક હદે એ એમાં સફળ પણ થયા છે.