કાબુલઃ અફઘાનિસ્તાનમાંથી વિદેશી સૈન્યોની રવાનગી થઈ ગઈ છે અને કટ્ટરવાદી ઈસ્લામી સંગઠન તાલિબાને દેશ પર સંપૂર્ણપણે અંકુશ મેળવી લીધો છે. તાલિબાનોએ નક્કી કર્યું છે કે દેશના સ્ટેડિયમોનો ઉપયોગ હવેથી માત્ર ક્રિકેટ મેચો રમાડવા માટે જ કરાશે. આ પહેલાં તેઓ આ સ્ટેડિયમોનો ઉપયોગ એમના વિરોધીઓને જાહેરમાં મૃત્યુદંડની સજા આપવા માટે કરતા હતા.
તાલિબાને કહ્યું છે કે આ વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં યૂએઈમાં રમાનાર ટ્વેન્ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધામાં અફઘાનિસ્તાનની ટીમ પણ ભાગ લેશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યૂટિવ હમીદ શિન્વારીએ જાહેરાત કરી છે કે એમના દેશની ટીમને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે મોકલવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. અફઘાનિસ્તાનને 2017માં ટેસ્ટ ટીમ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આ દેશ માત્ર છ ટેસ્ટ મેચ રમ્યો છે. ઓસ્ટ્રેલિયા સાથે આ તેની પહેલી જ ટેસ્ટ મેચ હશે. આ ટેસ્ટ મેચ 27 નવેમ્બરથી હોબાર્ટમાં શરૂ થવાની છે. તે પ્રવાસ પૂર્વે અફઘાનિસ્તાન ટીમ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) જશે અને ત્યાં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં રમશે. આ સ્પર્ધા 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી રમાવાની છે. તે ઉપરાંત અફઘાનિસ્તાનની અન્ડર-19 ક્રિકેટ ટીમને આ મહિનાના અંતભાગમાં બાંગ્લાદેશના પ્રવાસે પણ મોકલવામાં આવનાર છે.