દુબઈમાં ગુજરાતી દંપતીની કરપીણ હત્યા; પાકિસ્તાની આરોપીની ધરપકડ

દુબઈઃ અહીં રહેતા એક ગુજરાતી દંપતીની હત્યા કરવા બદલ પાકિસ્તાની નાગરિકની 24 કલાકથી પણ ઓછા સમયમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના 18 જૂનની છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પોશ વિસ્તાર અરેબિયન રેન્ચેસમાં રહેતા ગુજરાતી દંપતી – હીરેન અઢિયા અને વિધિ અઢિયાનાં ઘરમાં ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો, પરંતુ તેઓ સફાળા જાગી ગયા હતા. તેમણે આરોપીનો સામનો કરતાં આરોપીએ તેમની હત્યા કરી દીધી હતી. આરોપીએ અઢિયા દંપતીની એક પુત્રી ઉપર પણ ચાકુથી હુમલો કર્યો હતો, એ છોકરી ઇજાગ્રસ્ત થઈ હતી, પરંતુ તે હાલ ભયમુક્ત છે. આરોપી આ પહેલાં મેઇનટેઇનન્સ માટે અઢિયા પરિવારના ઘરમાં આવી ચૂક્યો હતો.  

હીરેન મોટી કંપનીમાં ડિરેક્ટર હતા

UAEના ન્યૂઝપેપર ખલીજ ટાઇમ્સના જણાવ્યા મુજબ હીરેન અને એમના પત્ની વિધિની ઉંમર 40 વર્ષની આસપાસ હતી. તેમને બે સંતાન છે. 18 વર્ષની પુત્રી અને 13 વર્ષનો પુત્ર છે. હીરેન શારજાહની એક મોટી ઓઇલ કંપનીમાં ડિરેક્ટર હતા.

ઘટના કેવી રીતે બની?

આ ઘટના 18 જૂનની રાતે જ્યારે પરિવાર ઊંઘી રહ્યો હતો. આરોપી દીવાલ કૂદીને ઘરમાં ઘૂસ્યો હતો. એ હીરેનના બેડરૂમમાં પહોંચ્યો હતો, ત્યાં પર્સમાંથી પૈસા તથા અન્ય કીમતી ચીજવસ્તુઓ શોધી રહ્યો હતો, ત્યારે કંઈક અવાજ થતાં હીરેન ઊંઘમાંથી જાગી ગયા હતા. તેમણે આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે એમની પર ચાકુથી હુમલો કર્યો હતો. ચીસ સાંભળીને વિધિ પણ જાગી ગયાં હતાં. આરોપીએ એમની ઉપર પણ હુમલો કર્યો હતો. પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પુત્રીએ આરોપીને પકડવાના પ્રયાસ કર્યા

હીરેન અને વિધિએ બૂમાબૂમ કર્યા બાદ આરોપી ઘરના ઉપરના માળે ભાગ્યો હતો. ત્યાં દંપતીની પુત્રીએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તો આરોપીએ છોકરી ઉપર પણ હુમલો કર્યો હતો. છોકરી ઘાયલ થઈ હતી. પણ બાદમાં એણે જ પોલીસને ફોન કરીને ઘટનાની માહિતી આપી હતી.

આરોપીની ધરપકડ

આરોપીને અઢિયા દંપતીની પુત્રીએ જોયો હતો. તેણે પોલીસને માહિતી આપી હતી. 24 કલાકની અંદર જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાકિસ્તાની છે. બે વર્ષ પહેલાં એ મેઇનટેનન્સ માટે અઢિયાના ઘેર આવ્યો હતો. હાલમાં તે બેરોજગાર છે. દુબઈ પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે કે અઢિયા પરિવાર શ્રીમંત હોઈ તેણે એમના ઘરમાં લૂંટ કરવાનું નક્કી કર્યું હતું.