સિંગાપોરમાં પ્રજ્ઞા યોગા એન્ડ વેલનેસ, ભારતીય હાઈકમિશન યોજિત વેબિનારમાં નિષ્ણાતોનું માર્ગદર્શન

સિંગાપોરઃ ગઈ 21 જૂનના રોજ છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રજ્ઞા યોગા એન્ડ વેલનેસ સંસ્થા તથા સિંગાપોરસ્થિત ભારતીય હાઈકમિશન અને દિલ્હીસ્થિત મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યોગાના સંયુક્ત ઉપક્રમે સિંગાપોરમાં વિશેષ કાર્યક્રમ – વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

(પ્રતિકાત્મક તસવીર)

21 જૂને આયોજિત વેબિનારનો વિષય હતોઃ ‘પાંચ નિષ્ણાત, એક ધ્યેયઃ સંપૂર્ણ વેલનેસ.’

આ વેબિનારમાં જુદા જુદા પાંચ યોગ માધ્યમના પાંચ નામાંકિત આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ પ્રસ્તુતિકરણ કર્યું હતું. પ્રત્યેક નિષ્ણાતને 30-મિનિટના પ્રેક્ટિસ સત્રની ફાળવણી કરવામાં આવી હતી. એ સત્રમાં યોગ થેરપી, અષ્ટાંગ યોગ, શ્વાસની પદ્ધતિઓ, મનને જાગ્રત કરવાની કળા, માનસિક સ્વસ્થતા અને તાણમુક્ત રહેવાની કળા, સાઉન્ડ હીલિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પ્રજ્ઞા યોગા એન્ડ વેલનેસનાં ડાયરેક્ટર સુજાતા કૌલગી દ્વારા વેબિનારમાં રોગપ્રતિકારક શક્તિ વધારતી વાનગીઓ અને આયુર્વેદ તથા યોગના મહત્ત્વ વિશે સમજ આપવામાં આવી હતી. એમણે વિશેષ રૂપે જણાવ્યું કે પ્રત્યેક વ્યક્તિની સર્વાંગિણ શારીરિક-માનસિક સુખાકારી માટે યોગવિદ્યા મદદરૂપ થાય છે.

22 જૂને આયોજિત કાર્યક્રમનું શિર્ષક હતું, ‘યોગઃ જીવનનો શ્વાસ – કોરોના વાઈરસ કટોકટીમાં ઉપચાર તથા સુસ્વાસ્થ્ય મેળવવાનો માર્ગ.’

આ કાર્યક્રમમાં સિંગાપોરસ્થિત ભારતીય હાઈકમિશનર જાવેદ અશરફ, મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યોગાના ડાયરેક્ટર ડો. ઈશ્વર બાસવરેડ્ડી અને સુજાતા કૌલગીએ એમનાં વિચાર રજૂ કર્યાં હતાં.

શ્રોતાઓએ સવાલો પૂછ્યા હતા જેના પેનલ પરના નિષ્ણાતોએ જવાબ આપ્યા હતા. હાલના સંજોગોમાં યોગવિદ્યા કેવી અસરકારક રીતે સંતુલન પૂરું પાડે છે અને સુમેળ સાધવામાં મદદરૂપ થાય છે એ વિશે ચર્ચા કરવામાં આવી હતી. યોગ, પ્રાણાયમ અને ધ્યાનની પદ્ધતિઓ દ્વારા શાંતિ પ્રાપ્ત કરી શકાય છે એ વિશે નિષ્ણાતોએ વેબિનારમાં સામેલ થયેલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ બંને કાર્યક્રમના વિડિયો જોવા માટે આ લિન્ક પર ક્લિક કરોઃ

https://www.youtube.com/channel/UCLWGco8JilpB6kZ_qb1nGBA