ચીન, પાકિસ્તાનની આયર્ન બ્રધરહુડ મિત્રતામાં તિરાડ?

નવી દિલ્હીઃ ચીન અને પાકિસ્તાનની મિત્રતાને વર્ષોથી ‘આયર્ન બ્રધરહૂડ’ કહેવામાં આવે છે… કેમ કે આ મિત્રતા લોખંડ જેવી મજબૂત હોય. પરંતુ હવે આ સંબંધમાં દરાર જોવા મળી રહી છે અને તેનું સૌથી મોટું કારણ છે ભારત. તાજેતરમાં કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની પછી જ્યારે ભારતે પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો ત્યારે બધાની નજર ચીન તરફ ગઈ કે શું હવે તે ખુલ્લેઆમ પાકિસ્તાનનું સમર્થન કરશે?

 

પરંતુ બીજિંગે તેના કૂટનીતિક શબ્દજાળ અને શાંત રહીને ભારત સામે કોઈ સીધું વલણ નથી લીધું. શા માટે? તેનો જવાબ છુપાયેલો છે સાત મોટાં કારણોમાં, જે ચીનના વ્યૂહાત્મક હિતો અને જમીન પરની હકીકતોને ઉજાગર કરે છે.

 ચીન ભારત સામે કોઈ પંગો નથી લેતું, કેમ કે…

  1. આર્થિક સંબંધોનું મહત્વ
    ચીન અને ભારત વચ્ચે દર વર્ષે $140 અબજથી વધુનો વેપાર થાય છે. ચીન જાણે છે કે ભારત સાથે દુશ્મનાવટ રાખવી એ પોતાના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું સમાન છે. હાલના સમયમાં ભારતીય બજાર ચીન માટે સૌથી મોટા નિકાસ બજારોમાંનું એક બની ગયું છે.
  2. સીમા પર શાંતિની જરૂરિયાત
    2020માં ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ પછી બંને દેશોએ સીમા પર તણાવ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. જો ચીન પાકિસ્તાનના આતંકવાદી એજન્ડાને ખુલ્લું સમર્થન આપે તો એ બધા કૂટનીતિક પ્રયાસો નિષ્ફળ થઈ જશે. આ ઉપરાંત, ભારત ફરી ચીની ટેક્નોલોજી પર પ્રતિબંધો લગાવી શકે છે જેમ કે તે પહેલાં ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકીને કરી ચૂક્યું છે.
  3. બેલ્ટ એન્ડ રોડ’ યોજના પર જોખમ
    ચીનનો સૌથી મોટો સ્વપ્ન પ્રોજેક્ટ – ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) – પાકિસ્તાનની અંદરની અસુરક્ષા અને આતંકથી જ સૌથી વધુ જોખમમાં છે. જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો ચીનના અબજોની રોકાણ યોજના પૂરી નષ્ટ કરી શકે છે.
  4. ચીન હંમેશાં તેના વિરોધી દેશને સીધા સામસામે ટકરાવને બદલે પરોક્ષ રીતે અંજામ આપે છે. તે પાકિસ્તાનને હથિયારો વેચીને, સંયુક્ત રાષ્ટ્રમાં તેની મદદ કરીને અને બેકડોર ડિપ્લોમેસી દ્વારા ભારત પર દબાણ રાખે છે. પરંતુ એ હદ સુધી નથી જાય કે ભારતને ખુલ્લી દુશ્મનાવટનો મોકો મળે.
  5. કૂટનીતિક ‘ડબલ ગેમ’
    ચીન આતંકવાદની નિંદા કરે છે પરંતુ જ્યારે પાકિસ્તાની આતંકી સંગઠનો પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની વાત આવે છે ત્યારે તે વીટોનો ઉપયોગ કરે છે. આ બેવડી નીતિ તેને રાજકીય રીતે નરમ દેખાવાનો મોકો આપે છે
  6. ભારત અને અમેરિકા વચ્ચે વધતા સંબંધો
    ભારત અને અમેરિકાની વચ્ચે વધતા વ્યૂહાત્મક સંબંધો ચીન માટે ચિંતાનો વિષય છે. ખાસ કરીને QUAD જૂથ અને દ્વિપક્ષી વેપાર કરારની શક્યતાઓથી ચીનને લાગે છે કે જો તે પાકિસ્તાનની તરફેણમાં ખુલ્લું ઊભું રહેશે તો ભારત પૂરેપૂરો અમેરિકાની શિબિરમાં પહોંચી શકે છે.

આ તમામ મુદ્દાઓ ચીનની વ્યૂહાત્મક ગણતરીઓ અને હિતોને દર્શાવે છે – જે તે ભારત સામે ખુલ્લો વિરોધ ટાળવાનો પસંદ કરે છે.