ઇરાનમાં 6,3ની તીવ્રતાનો ભૂકંપઃ UAEમાં પણ આંચકા અનુભવાયા

તહેરાનઃ દક્ષિણ ઇરાનમાં શનિવારે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં પાંચ લોકોનાં મોત થયાં  છે અને 44 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપનું કેન્દ્ર રાજધાનીથી આશરે 1000 કિલોમીટર દક્ષિણમાં સ્થિત સાયેહ ખોશ ગામમાં હતું. ગામની પાસે રાહત અને બચાવ ટીમ તહેનાત કરવામાં આવી છે. હોરમોજગાન પ્રાંતના આ ગામમાં આશરે 300 લોકો રહે છે, એમ સરકારી ટેલિવિઝન ચેનલે જણાવ્યું હતું. આ ભૂકંપના આંચકા UAEમાં પણ અનુભવાયા હતા.

નેશનલ સિસ્મોલોજી કેન્દ્રના જણાવ્યાનુસાર આ ભૂકંપ દક્ષિણ ઇરાનમાં મોડી રાત્રે 1.32 કલાકે 10 કિલોમીટર ઊંડો નોંધાયો હતો. જેથી આ ભૂકંપથી મોટી જાનહાનિ નહોતી થઈ.

આ પહેલાં 22 જૂને અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં આશરે 1000થી વધુ લોકોનાં મોત થયાં હતા, જ્યારે 1500થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી.

આ વિસ્તારમાં ભૂકંપ પછી પણ આંચકા અનુભવવામાં આવ્યા હતા, જેનાથી કેટલાંય બિલ્ડિંગો અને મહત્ત્વની ઇમારતોના પાયાને નુકસાન થયું હતું. આ ભૂકંપ કેટલાય પડોશી દેશોમાં પણ અનુભવવામાં આવ્યો હતો. ચીનના ઝિજિયાંગમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 4.3 રહી હતી. હાલ કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.  

આ વિસ્તારમાં ગયા સપ્તાહમાં ભૂકંપના ઓછી તીવ્રતાવાળા આંચકા અનુભવાયા હતા. આ પહેલાં નવેમ્બરમાં 6.4 અને 6.3ની તીવ્રતાના ભૂકંપને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. ઇરાનમાં સમયાંતરે ભૂકંપ આવતા રહે છે. ઇરાનના બામ શહેરમાં 2003માં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 26,000 લોકોનાં મોત થયાં હતાં. એ પછી 2017માં પશ્ચિમી ઇરાનમાં આવેલા સાતની તીવ્રતાના ભૂકંપમાં 600થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને 9000થી વધુ લોકો ઘાયલ થયા હતા.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]