અમેરિકા છે અહી બધુજ ચાલે, બધું મળે

ફ્લાઈટ ઓવરબુક થતાં, સ્વેચ્છાએ પોતાની સીટ પાછી આપવા માટે એક પેસેન્જર દીઠ ૧૦,૦૦૦ ડોલરની ઓફર…. લો આવું ક્યાંય અને પહેલા ક્યારેય સાભળ્યું છે? આશરે ૪૦૦ ડોલરની ટીકીટના થોડો સમય રોકાઈ જવાના બદલે આટલા બધા વધારાના મળે.

૪ જુલાઈ, અમેરિકામાં સ્વતંત્રતા દિવસ. આ વખતે સોમવારે આવે છે માટે લોંગ વિકેન્ડ હોવાને કારણે આ વખતે આશરે ૪૮ મિલિયન લોકો ટ્રાવેલ કરશે તેવી ગણતરી છે. રોડ ઉપર ટ્રાફિક રહેવાનો નક્કી છે સાથે ફ્લાઈટ્સ પણ મોડી પડવાની જેના કારણે કનેક્ટ ફ્લાઈટ્સ ચુકાઈ જવાની. જોકે લોકો હવે આવા સમયે ખોરવાતી પરિસ્થિતિથી ટેવાઈ ગયા છે.

મિશિગનથી મિનેસોટા જતી ડેલ્ટાની ફ્લાઈટમાં ઓવરબુકિંગ થઇ જતા આઠ પેસેન્જર વધી પડ્યા. અહી સ્વેચ્છાએ ટીકીટ પાછી આપવા દસ હજાર ડોલરની ઓફર કરાઈ. જે કદાચ અત્યાર સુધીની સહુથી વધારે રકમ હશે. છેવટે ૨૦ મિનીટ મોડી ફ્લાઈટ રવાના થઇ.

જ્યારે પણ આવી સ્થિતિ થાય ત્યારે ગેટ ઉપર બહારથી સેલ્ફ કેન્સલેશન માટે ઓફર કરવામાં આવે છે. કોઈ જાતે ના આવે તો ફ્લાઈટ ભરાયા પછી પણ એનાઉન્સ કરી ઓફરમાં વધારો કરવામાં આવે છે. કોઈને પરાણે બીજે મોકલાતા નથી. લોભાવનારી ઓફર હોય અને જવાની ઈમરજન્સી ના હોય તેવા સ્વેચ્છાએ મળીજ આવે.

છતાં પ્રશ્ન એ છે કે ઓવર બુક થાય કેવી રીતે,? પ્લેનમાં જગ્યા નિર્ધારિત હોય છે તો વધારે વેચાણ શું કામ કરે છે? લાસ્ટ મિનીટનાં કેન્સલેશનમાં એક પણ સીટ ખાલી ના જાય એવી લાલચને કારણે આમ થાય છે. અને પેસેન્જરોની અથડામણ વધી જાય છે.

તહેવારોના સમયમાં ફ્લાઈટમાં મુસાફરી કરવી એટલે લોકલ બસમાં જતા હોઈએ એવા અનુભવો થાય છે. બે કલાક વહેલા જઈએ તો પણ બેગ ચેકિંગથી લઈને સિક્યોરીટી સુધી લાંબી લાઈનોમાં કેટલાયની ફ્લાઈટ્સ છૂટી જાય છે.

એરપોર્ટમાં પાયલોટ થી લઈને કામદારોની અછત હોવાથી ફ્લાઈટ સાથે બેગ કશુજ સમયસર આવે નહિ. હાલ ફિલાડેલ્ફીઆ થી લોસ એન્જેલસ જતી ફ્લાઈટમાં આ કારણે એકપણ પેસેન્જરની બેગ આવી નહિ. જોકે ફ્લાઈટ્સ તેનું વળતર અચૂક આપે છે પણ અંતે પેસેન્જરોને તકલીફ તો સહેવાનીને!

રેખા પટેલ (ડેલાવર)