અતિચાલાકીભર્યું 5,000 કરોડનું હેરોઈન રેકેટ ઝડપાયું, તાલિબાન સાથે છે લિન્ક

0
653

નવી દિલ્હી- દેશની રાજધાની દિલ્હીમાં નશાનો કાળો કેવી રીતે ફૂલીફાલી રહ્યો છે, તેનો તાજો મામલો સામે આવ્યો છે. શુક્રવારે સ્પેશિઅલ સેલે દિલ્હીમાં ચાલી રહી હેરોઈનની ગેરકાયદે ફેક્ટરીનો પર્દાફાશ કર્યો, જેની લિન્ક તાલિબાન સુધી જોડાયેલી છે. આ મામલે અંદાજે 600 કરોડનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. દિલ્હીથી જપ્ત કરેલી અત્યાર સુધીની આ સૌથી મોટી ખેપ છે. ખાસ વાત એ છે કે, ડ્રગ્સને એકદમ છૂપી રીતે ખાલી બોરીઓ મારફતે અફઘાનથી દિલ્હી લાવવામાં આવતું હતું.

અફઘાનિસ્તાનથી આયાત કરીને દિલ્હી લાવવામાં આવતી જીરાની બોરીઓમાં હેરોઈન સ્મગલિંગ કરવામાં આવતું હતું. શણની બોરીઓને અફઘાનિસ્તાનમાં લિક્વિડ હેરોઈનમાં ડૂબાડી દેવામાં આવતી હતી. બોરીઓ સુકાઈ ગયા બાદ તેમાં જીરું ભરીને દિલ્હી ઈમ્પોર્ટ કરવામાં આવતું હતું. ત્યારબાદ બોરીઓને એ લોકો દિલ્હીમાં ઝાકિરનગર સ્થિત ફેક્ટરીમાં લઈ જઈને અનેક પ્રકારના કેમિકલ ભેળવતા હતાં. આ ભીની બોરીઓને સૂકવીને રેસાઓમાં ચોંટેલા હેરોઈનને ખાસ ટેકનીકથી પાઉડરના રૂપમાં બદલવામાં આવતું હતું. ત્યારબાદ ખાલી બોરીઓને સળગાવી નાંખવામાં આવતી હતી. જ્યૂટની એક બોરીમાંથી ઓછામાં ઓછું એક કિલો હેરોઈન નિકળતું હતું. જેથી એક ખાલી બોરીની કિંમત અંદાજે 4 કરોડ રૂપિયા જેટલી થતી હતી. બોરીઓમાં આ રીતે હેરોઈનની સ્મગલિંગ કરવાની રીતે એકદમ નવી અને હૈરાન કરનારી છે.

 

હેરોઈનને અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના રસ્તે દિલ્હી લાવવામાં આવતું હતું. પોલીસે અંદાજે 120 દિવસો સુધી ચાલેલા તેમના ઓપરેશન પછી આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પાકિસ્તાન-અફઘાનિસ્તાનના ડ્રગ્સ તસ્કરોનું આ સિન્ડિકેટ ડ્રગ્સમાં ડૂબેલા જ્યૂટના રેસાને જલાલાબાદથી પાકિસ્તાન અધિકૃત કશ્મીર મોકલવામાં આવતું હતું. ત્યારબાદ આ રેસાની બોરીઓ બનાવી દેવામાં આવતી હતી. ત્યારબાદ તેમાં મસાલા અને અન્ય સામાન ભરીને બોરીઓને દિલ્હીમાં રહેતાં કશ્મીરના મસાલા કારોબારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. દિલ્હીમાં બોરીઓ ખાલી કરીને સ્મગ્લર તેમની સાથે લઈ જતાં. પછી સાઉથ દિલ્હીની આ ફેક્ટરીમાં આ બોરીઓમાંથી હેરોઈન અલગ કરવામાં આવતું હતું.

ઝાકિરનગરની ડ્રગ્સ ફેક્ટરીમાંથી કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાંથી બે અફઘાનિસ્તાની છે. આ ઉપરાંત લાજપતનગર વિસ્તારમાંથી અન્ય બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી સ્પેશિઅલ સેલની ટીમે 600 કરોડ રૂપિયાની કિંમતનું 150 કિલો હેરોઈન જપ્ત કર્યું. તેમની પાસે 4 લક્ઝરી કાર, બે પિસ્તોલ અને 20 જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા છે. ધરપકડ અપરાધીઓમાં અફઘાનિસ્તાનના રહેવાસી શિનવારી રહમત ગુલ (30) અને અખ્તર મોહમ્મદ શિનવારી (31) છે. અફઘાનિસ્તાનમાં હેરોઈન ઈન્ડસ્ટ્રીમાં કરવાનો તેમનો લાંબો અનુભવ છે. આ ઉપરાંત વકીલ અહમદ (36), રઈસ ખાન (43) અને ધીરજ ઉર્ફે દીપક (21)ની પણ ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ સેલની ટીમે જણાવ્યું કે, તેમને છેલ્લાં કેટલાક મહિનાઓથી આ પ્રકારની ગુપ્ત માહિતી મળી રહી હતી કે, ચાર પાંચ ગાડીઓનો કાફલો ઝાકિરનગર વિસ્તારથી નિકળીને દિલ્હી બોર્ડર પાર કરી ક્યાંક ગાયબ થઈ જાય છે.