નવી દિલ્હીઃ ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં 25 દિવસ થઈ ચૂક્યા છે. ઇઝરાયેલે મંગળવારે કરેલા શરણાર્થી શિબિર પરના હવાઈઓ હુમલામાં 50 લોકોનાં મોતનો દાવો કર્યો હતો. ઇઝરાયેલના હવાઇ હુમલામાં એક રેફ્યુજી કેમ્પમાં રહેતા પેલેસ્ટાઇનના ૫૦ નાગરિકોના મોત થયા હતા. ગાઝાની ઇન્ડોનેશિયન હોસ્પિટલના ડિરેક્ટરે અલ જઝીરાને જણાવ્યું હતું કે ઇઝરાયેલના હવાઇ હુમલામાં ઉત્તર ગાઝામાં જબાલિયાના રેફ્યુજી કેમ્પમાં ૫૦ લોકોના મોત થયા હતા અને ૧૫૦ને ઇજા થઈ હતી.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે કહ્યું હતું કે હવાઈ હુમલામાં હમાસની સેન્ટ્રલ જબાલિયા બેટેલિયનના કમાન્ડર ઇબ્રાહિમ બિયારીને ઠાર કરવામાં આવ્યો છે. દરમિયાન ઇઝરાયેલના લશ્કરે મંગળવારે ઉત્તર ગાઝા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને હમાસના આતંકવાદીઓ ગાઝામાં તૈયાર કરેલા અંડરગ્રાઉન્ડ ટનલ નેટવર્ક પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત ઇઝરાયેલના હમાસે પકડેલા પહેલા બંધકને છોડાવવામાં સફળતા મળી હતી. જેને પગલે વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુએ યુદ્ધવિરામની તમામ માગ ફગાવી દીધી હતી. તેમણે હમાસનો ખાતમો કરવાની કટિબદ્ધતા દોહરાવી હતી. જેથી તે ફરી સાત ઓક્ટોબર જેવી હરકત કરી ન શકે. અત્યારે ચાલી રહેલું યુદ્ધ હમાસના સાત ઓક્ટોબરના હુમલાનું પરિણામ છે.
ઇઝરાયેલના લશ્કર અને ટેન્કોએ સોમવારે ગાઝામાં જમીન હુમલાનો વ્યાપ વિસ્તાર્યો હતો. લશ્કર મુખ્ય શહેરની બંને બાજુ આગળ વધ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર અને મેડિકલ સ્ટાફે હોસ્પિટલ્સ નજીક હવાઇ હુમલા થયા હોવાની ચેતવણી આપી હતી, જ્યાં હજારો ઇજાગ્રસ્ત લોકોની સાથે પેલેસ્ટાઇનના હજારો લોકોએ આશ્રય લીધો છે. ઇઝરાયેલે જણાવ્યું હતું કે હમાસના આતંકવાદીઓએ પકડેલી એક મહિલા સૈનિકને છોડી હતી. ગાઝામાં ઇઝરાયેલનો જમીન હુમલો શરૂ થયો પછી મહિલા હમાસ દ્વારા છોડાયેલી પહેલી બંધક હતી. થોડા કલાક પછી હમાસે સોમવારે ટૂંકો વિડિયો જારી કર્યો હતો. જેમાં સાત ઓક્ટોબરે હમાસે ઇઝરાયેલની અંદર કરેલા હુમલામાં ત્રણ મહિલાને બંધક બનાવી હોવાનું દર્શાવ્યું હતું.