શ્રીલંકા બાદ થાઈલેન્ડે પણ ભારતીય પર્યટકો માટે વિઝા માફ કર્યા

બેંગકોકઃ આવતી 10 નવેમ્બરથી શરૂ કરી છ મહિનાના સમયગાળા માટે ભારતીય પર્યટકો થાઈલેન્ડમાં વિઝા-મુક્ત પ્રવેશ કરી શકશે એવો સ્થાનિક મીડિયામાં અહેવાલ છે. થાઈલેન્ડના પ્રધાનમંડળે લીધેલા નિર્ણયને પગલે આ જાહેરાત કરવામાં આવી છે. 10 મે, 2024 સુધી થાઈલેન્ડમાં રહેવા માટે એન્ટ્રી વિઝા મેળવવામાંથી ભારત અને તાઈવાનથી આવતા પર્યટકોને મુક્તિ આપવા થાઈલેન્ડનું પ્રધાનમંડળ સહમત થયું છે.

થાઈ પીબીએસ (પબ્લિક બ્રોડકાસ્ટિંગ સર્વિસ)ના અહેવાલમાં જણાવાયું છે કે થાઈલેન્ડની વર્તમાન નીતિ 59 દેશોના પર્યટકોને એન્ટ્રી વિઝા વગર દેશમાં પ્રવેશ કરવાની પરવાનગી આપે છે. પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. ગયા અઠવાડિયે, ભારતીય પર્યટકો માટે આવી જ વિઝા-ફ્રી એન્ટ્રીની જાહેરાત શ્રીલંકા સરકારે કરી હતી. તેની આ માફી-યોજના તાત્કાલિક અસરથી અમલમાં આવી છે અને 2024ની 31 માર્ચ સુધી અમલમાં રહેશે.