વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી જ વાર ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ મહિનાની 24-25 તારીખે તેઓ નવી દિલ્હી અને અમદાવાદની પણ મુલાકાતે આવશે. એમની સાથે એમના પત્ની મેલાનિયા પણ હશે.
તરણજીત સિંહ સંધુએ અમેરિકા સ્થિત નવા ભારતીય રાજદૂત તરીકેનો હોદ્દો સંભાળી લીધા બાદ ટ્રમ્પની ભારત મુલાકાત નિશ્ચિત કરવામાં આવી છે.
નવી દિલ્હી, ખાસ કરીને અમદાવાદની સૂચિત મુલાકાત વિશે ટ્રમ્પ બહુ ઉત્સાહિત છે. ગઈ કાલે વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં એમણે કહ્યું હતું કે, ‘હું ભારત જઈ રહ્યો છું. પીએમ મોદીનું કહેવું છે કે 50-70 લાખ લોકો આપણને અમદાવાદમાં આવકારવા માટે હાજર રહેશે. અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી આપણી સાથે રહેશે.’
ટ્રમ્પની મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચે વ્યાપાર કરાર થાય એવી ધારણા રખાય છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાની વિદેશ નીતિના મામલે ટ્રમ્પે એમના પુરોગામી બરાક ઓબામાનું જ અનુસરણ કરવાનું પસંદ કર્યું છે અને ઈન્ડો-પેસિફિક વિસ્તારના દેશોમાં ભારતને અમેરિકાનો વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યો છે.
જોકે 2019માં ટ્રમ્પે ભારતની વ્યાપાર નીતિ પર આકરા પ્રહારો કર્યા હતા અને અમેરિકામાંથી આયાત કરાતી ચીજવસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી દેવા બદલ આક્રોશ વ્યક્ત કર્યો હતો. હાર્લી ડેવિડસન મોટરસાઈકલો પર ભારતે ઊંચી ઈમ્પોર્ટ ડ્યૂટી લાગુ કર્યા બાદ ટ્રમ્પે ભારતને ‘ટેરિફ કિંગ’ પણ કહ્યો હતો.
ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન પરસ્પર વ્યાપાર સમજૂતીમાં ભારત સરકાર અમેરિકાની 29 કૃષિ ચીજવસ્તુઓ પરની ડ્યૂટી પાછી ખેંચી લેવાની ઓફર કરે એવી પણ ધારણા છે. અમેરિકી મેડિકલ માલસામાન પર ભારત દ્વારા વસૂલાતી ઊંચી ડ્યૂટીના મુદ્દા ઉપર ચર્ચા પણ થાય એવી ધારણા છે.
તે ઉપરાંત ઓટોમોબાઈલ્સ, એન્જિનીયરિંગ અને ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી ક્ષેત્રોની ચીજવસ્તુઓ માટે માર્કેટ એક્સેસના મુદ્દા ઉપર પણ ચર્ચા થશે.
મિલિટરી હાર્ડવેરની ખરીદી મામલે પણ ભારત સરકાર અમેરિકા પાસેથી અન્ય બાંહેધરી માગે એવી ધારણા છે.
અમેરિકા અનેક ચીજવસ્તુઓની ભારતમાં નિકાસ કરે છે. આમ તેને માટે મોટું ગ્રાહક અને બજાર છે.
ટ્રમ્પની ભારત મુલાકાતને ધ્યાનમાં લઈને બંને દેશના વિદેશ મંત્રાલયોના સત્તાવાળાઓ રાજદ્વારી રીતે સતત એકબીજાના સંપર્કમાં છે.
ગયા સપ્તાહાંતે મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ હતી અને બંને નેતા બેઉ દેશ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત કરવા માટે સહમત થયા હતા.
US સિક્રેટ સર્વિસના ચુનંદા અધિકારીઓની એક ટીમ ગુરુવારે અમદાવાદમાં આવશે અને સુરક્ષા વ્યવસ્થાનું અવલોકન કરશે.