ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાની વિશ્વસ્તરે માનવતાવાદી કાર્યોનું સંચાલન કરતી એજન્સીએ ચેતવણી આપી છે કે પાકિસ્તાનમાં તાજેતરના પૂરસંકટમાં બચી ગયેલા 57 લાખ જેટલા લોકોને આવતા ત્રણ મહિના સુધી ગંભીર ખાદ્યસંકટનો સામનો કરવો પડશે.
પાકિસ્તાનના સિંધ, ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતોમાં તાજેતરમાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદ અને તેને કારણે આવેલા પૂરની આફતમાં માર્યા ગયેલાઓનો આંક વધીને 1,695 થયો છે. લાખોની સંખ્યામાં ઘરો નુકસાન પામ્યા છે, લાખો લોકોને માઠી અસર પહોંચી છે. હજારો લોકો હાલ તંબૂઓ કે કામચલાઉ ઘરોમાં રહે છે.