ચીનમાં એક દિવસમાં 3.70 કરોડ લોકો કોરોના સંક્રમિત

બ્લુમબર્ગઃ ચીન સરકારના ટોચના આરોગ્ય સત્તાવાળાઓના અંદાજ મુજબ ચીનમાં આ સપ્તાહે એક દિવસમાં આશરે 37 મિલિયન- 3.70 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જે વિશ્વમાં કરવામાં આવેલા દાવાથી વધુ છે. ચીનમાં ડિસેમ્બરના પહેલા 20 દિવસોમાં કમસે કમ 24.8 કરોડ લોકો અથવા આશરે 18 ટકા વાઇરસથી સંક્રમિત થવાની સંભાવના છે.

ચીનના દક્ષિણ-પશ્ચિમમાં સિચુઆન પ્રાંત અને બીજિંગના અડધોઅડધ રહેવાસી સંક્રમિત થઈ ગયા છે. ચીનમાં લોકો હવે સંક્રમણ માલૂમ કરવા માટે રેપિડ એન્ટિજન ટેસ્ટનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારે કોરોના સંક્રમિત કેસોની દૈનિક સંખ્યા પ્રકાશિત કરવાનું બંધ કરાવ્યું છે. ડેટા કન્સલ્ટન્સી મેટ્રો ડેટા ટેકના મુખ્ય અર્થશાસ્ત્રી ચેન કિને ઓનલાઇન કીવર્ડ સર્ચના વિશ્લેષણને આધારે જણાવ્યું છે કે ચીનનાં મોટા ભાગનાં શહેરોમાં ડિસેમ્બરના મધ્ય અને જાન્યુઆરીના અંતની વચ્ચે કોરોના પિક પર હશે. તેમના મોડલથી માલૂમ પડ્યું છે કે શેન્જેન, શાંઘાઈ અને ચોંગકિંગના શહેરોમાં લાખ્ખો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

ચીનના બીજિંગ, સિચુઆન, અનહુઈ, શાંઘાઈ અને હુનાનમાં સ્થિતિ બહુ ખરાબ થઈ રહી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પહેલી વાર કોવિકની સમીક્ષા બેઠક કરે એવી શક્યતા છે.

ચીનમાં સંપૂર્ણ લોકડાઉન

રાષ્ટ્રપતિ જિનપિંગ આ બેઠક પછી ચીનમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરે એવી શક્યતા છે. વિશેષજ્ઞોએ બીજિંગમાં સંક્રમણ દર 50થી 70 ટકા હોવાની આશંકા જણાવી છે. શાંઘાઈમાં આગામી સપ્તાહે 2.5 કરોડ લોકોના કોવિડ સંક્રમિત હોવાની આશંકા છે.