ગિરના જય-વીરુને શ્રદ્ધાંજલિ, સાંસદ પરિમલ નથવાણી દ્વારા ગીત અને ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ

0

ગિરના દુર્લભ અને પ્રખ્યાત સિંહોની જોડી જય અને વીરુનું તાજેતરમાં અવસાન થયું હતું. રાજ્યસભા સાંસદ અને સિંહપ્રેમી પરિમલ નથવાણીએ આજે જોડીને સમર્પિત લોક શૈલીમાં રચાયેલું એક ભાવપૂર્ણ વિડિયો ગીત ‘જય-વીરુની જોડી’ તેમજ એક ડોક્યુમેન્ટરી ‘જય-વીરુની અમર ગાથા’નું લોકાર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી.

પરંપરાગત સંગીત અને લોકવાદ્યો સાથે તૈયાર થયેલું આ ગીત ગિરના રાજા સમાન બનેલા જય-વીરુના અતૂટ બંધન, અખૂટ શક્તિ અને અણમોલ બંધુત્વને શ્રદ્ધાંજલિ રૂપ છે. ગીતમાં જય અને વીરુનો પારસ્પરિક પ્રેમ તથા તેમની જોડીને બિરદાવનારાઓની હૃદયની લાગણીઓ પ્રતિબિંબિત થાય છે.

જાણીતા ગાયક આદિત્ય ગઢવીએ આ ગીત અને ડોક્યુમેન્ટરીને સ્વર આપ્યો છે. ગીત અને ડોક્યુમેન્ટરીનું આલેખન તથા સ્ક્રીનપ્લે લેખક અને ગીતકાર પાર્થ તરપરાએ કર્યું છે. સંગીત ભાર્ગવ અને કેદારની જોડી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ જ ટીમે “ગિર ગજવતી આવી સિંહણ” નામનું લોકપ્રિય ગીત પણ બનાવ્યું હતું, જે ગત વર્ષે વર્લ્ડ લાયન ડે (10 ઓગસ્ટ,2024)ના દિવસે રિલીઝ થયું હતું.

ગુજરાતની લોક-સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકકલાવંતો દ્વારા સર્જાયેલું ‘જય-વીરુ ની જોડી’ એ માત્ર એક ગીત નથી, પણ ગિરના આ બે વિખ્યાત સિંહોની વિરાસતને ઉજાગર કરતી એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પણ છે. ‘જય-વીરુની અમર ગાથા’, બીજી બાજુ, સાસણ ગિરની સુંદરતા તેમજ પ્રભાવશાળી સિંહ જોડીની હાજરીએ તેને કઈ રીતે અસાધારણ બનાવતી હતી તેનું વર્ણન કરે છે. તે જય અને વીરુના અનંત બંધનને દર્શાવે છે.