ચિપ પર 100 ટકા ટેરિફ લગાવશે ટ્રમ્પ,  પણ એપલને રાહત

નવી દિલ્હીઃ ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનો માર્ગ અપનાવી રહ્યા છે. આ ક્રમમાં હવે તેમણે વિદેશી ચિપ પર 100 ટકા ટેરિફ લગાવવાનો સંકેત આપ્યો છે. આ ઘરેલુ ઉત્પાદનને મજબૂત કરવાની વ્યૂહરચનાનો ભાગ છે. અમેરિકન રાષ્ટ્રપતિએ એપલના CEO ટિમ કુક સાથે ઓવલ ઓફિસમાં થયેલી બેઠકમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે અમેરિકામાં વિદેશી દેશોમાંથી આવતી તમામ ચિપ્સ પર 100 ટકા ટેરિફ લગાવવાની યોજના છે, પણ આ એપલ માટે લાગુ નહીં થશે.

ટેરિફમાંથી એપલને છૂટ શા માટે?

એપલના CEO સાથે બેઠકમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે જો કોઈ કંપની અમેરિકામાં જ ઉત્પાદન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે કે ત્યારે આવું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે, તો તેમને ટેરિફ લાગુ નહીં થાય. આ રીતે ટ્રમ્પે એપલને રાહત આપવા અંગે વાત કરી છે. ટ્રમ્પના પ્રસ્તાવનો હેતુ વૈશ્વિક ટેક કંપનીઓને અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ કાર્ય વધારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જેથી વિદેશી સપ્લાય ચેઇન પરની નિર્ભરતા ઓછી થઈ શકે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે એપલ જેવી કંપનીઓને છૂટ મળશે, કારણ કે કંપની અમેરિકામાં ઉત્પાદન માટે મોટું રોકાણ કર્યું છે.

ભારત પર અમેરિકા દ્વારા 50 ટકા ટેરિફ લાગુ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક નવો આંચકો આપ્યો હતો. ટ્રમ્પે ભારત પર વધારાના 25 ટકા ટેરિફ લગાવી દીધા છે. થોડા દિવસ પહેલાં જ તેમણે ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યા હતા. હવે બુધવારે ફરીથી વધુ ટેરિફ લગાવ્યા છે. ટ્રમ્પે ગયા અઠવાડિયે ધમકી આપતાં કહ્યું હતું કે ભારત માત્ર રશિયાથી તેલ ખરીદે છે નહીં, પણ તેને ખુલ્લા બજારમાં વેચીને ભારે નફો પણ કમાય છે. તેમને પરવા નથી કે યુક્રેનમાં રશિયાની હિંસાથી કેટલા લોકો મરે છે, એટલે હું હવે ભારત પર વધુ ટેરિફ લગાવીશ.