ભારતના દુશ્મન લખવીને પાકિસ્તાને ફટકારી 15-વર્ષની જેલ

ઈસ્લામાબાદઃ 2008ની 26 નવેમ્બરે મુંબઈમાં કરાયેલા ભયાનક આતંકવાદી હુમલાઓના સૂત્રધાર અને પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈબાના ઓપરેશન્સ કમાન્ડર ઝાકીર-ઉલ-રેહમાન લખવીને પાકિસ્તાનની ત્રાસવાદ-વિરોધી અદાલતે 15-વર્ષની જેલની સજા ફટકારી છે. ત્રાસવાદી કૃત્યો માટે ભંડોળ પૂરું પાડવાના કેસમાં લખવી સામે કાર્યવાહી ચલાવવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ પણ લખવીને ત્રાસવાદી તરીકે ઘોષિત કર્યો છે. 61 વર્ષનો લખવી મુંબઈ આતંકી હુમલાના કેસમાં 2015ની સાલથી જામીન પર છૂટ્યો હતો. એની ગયા શનિવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ત્રાસવાદ-વિરોધી વિભાગે ધરપકડ કરી હતી. કોર્ટે લખવીને અપરાધી ઘોષિત કર્યો છે અને 15-વર્ષની જેલની સજા ફટકારી છે.