અંધારપટ માટે પાકિસ્તાની પ્રધાને ભારતને દોષી ગણાવ્યું

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ગઈ કાલે મધરાત પૂર્વે રાષ્ટ્રીય પાવર ગ્રિડમાં ખામી ઊભી થયા બાદ મોટા પાયે, વ્યાપક સ્તરે અને એક સાથે અંધારપટ છવાઈ ગયો હતો. રાષ્ટ્રીય પાટનગર ઈસ્લામાબાદ સહિત સમગ્ર દેશમાં વિદ્યુત પૂરવઠો ઠપ થઈ ગયો હતો. આજે ઈસ્લામાબાદ સહિત ઘણા શહેરોમાં વીજપૂરવઠો સંપૂર્ણપણે અથવા આંશિક રીતે પ્રસ્થાપિત થયો છે. પાકિસ્તાનના કેન્દ્રિય પ્રધાન શેખ રશીદે આ માટે ભારતને દોષ દીધો છે. રશીદ પાકિસ્તાનમાં કોઈ પણ મોટી ઘટના બને તો એ માટે અવારનવાર ભારતને દોષ દેતા હોય છે.

રશીદે આ વખતે કહ્યું છે કે ભારતે પાકિસ્તાનનો વીજપૂરવઠો કાપી નાખ્યો એટલે પાકિસ્તાનમાં અંધારપટ છવાઈ ગયો હતો. શનિવારે પાકિસ્તાનમાં વીજળી જતી રહી હતી એની પાછળ ભારતનો હાથ છે.