કાઠમંડુઃ નેપાળમાં શુક્રવારે મધ્યરાત્રિએ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ 6.4ની તીવ્રતાનો હતો. આ ભૂકંપના આંચકા દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક ભાગોમાં અનુભવાયા હતા. ઉત્તર-પશ્ચિમી નેપાળના જિલ્લાઓમાં આ ભૂકંપને લીધે મૃતકોની સંખ્યા સતત વધતી જાય છે. અત્યાર સુધી આ ભૂકંપને લીધે 154 લોકોનાં મોત થયાં છે અને 140થી વધુ ઘાયલ થયા છે.
આ ભૂકંપને કારણે નેપાળમાં જાનમાલનું ભારે નુકસાન થયું હતું. અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. પહાડી ગામોમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દુર્ઘટનામાં દેશના ઉત્તર-પશ્ચિમ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયાં હતાં. મૃત્યુઆંક વધવાની આશંકા છે.રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળના અયોધ્યાથી લગભગ 227 કિલોમીટર ઉત્તર અને કાઠમાંડુથી 331 કિલોમીટર પશ્વિમ ઉત્તર-પશ્વિમમાં જાજરકોટમાં 10 કિલોમીટરની ઊંડે હતું. નેપાળમાં એક મહિનામાં આ ત્રીજી વખત ભૂકંપ આવ્યો છે.
નેપાળમાં આવેલા ભૂકંપની અસર દિલ્હી-એનસીઆર સહિત આખા ઉત્તર ભારતમાં જોવા મળી છે. બિહારના પટણા અને મધ્ય પ્રદેશના ભોપાલ સુધી ભૂકંપના સામાન્ય ઝટકા અનુભવાયા હતા. આ ભૂકપની અસર ભારત અને ચીનમાં પણ અનુભવાઇ હતી. ભારતમાં પણ 40 સેકન્ડ સુધી ઝટકા અનુભવાયા હતા.
વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર આપણે મોટા ભૂકંપ માટે તૈયાર રહેવું જોઈએ. હિમાલયના ક્ષેત્રમાં ઇન્ડિયન ટેક્ટોનિક અને યુરેશિયન પ્લેટની વચ્ચે ટક્કરને કારણે ક્યારેય પણ મોટો ભૂકંપ આવી શકે છે. તેમના જણાવ્યા પ્રમાણે ઇન્ડિયન પ્લેટ હવે ઉત્તર તરફ સરકી રહી છે. આવામાં હિમાલયની નીચે ઉપરની તરફ દબાણ બની રહ્યું છે.આ દબાણ કોઈ પણ સમયે મોટો ભૂકંપ લાવી શકે છે.