સિંધુ જળ કરાર અન્યાયી અને એકતરફી, અમને મંજૂર નથીઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી સિંધુ જળ કરાર અંગે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે લોહી અને પાણી એકસાથે વહેવા નહિ દઉં અને સિંધુ જળ સંધિ અંગે થયેલો કરાર ભારતને મંજૂર નથી.

22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ મોદી સરકારે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી.  દેશને ખબર પડી ગઈ છે કે સિંધુ જળ કરાર કેટલો અન્યાયી અને એકતરફી છે. ભારતમાંથી નીકળતી નદીઓનું પાણી દુશ્મનની ધરતીને સીંચી રહ્યું છે અને મારા દેશની ધરતી તરસી રહી છે. આ એવો કરાર હતો, જેણે છેલ્લા સાત દાયકાથી મારા દેશના ખેડૂતોનું અકલ્પનીય નુકસાન કર્યું. હિંદુસ્તાનના હકના પાણી પર અધિકાર અહીંના ખેડૂતોનો છે. ખેડૂત હિતમાં, રાષ્ટ્રીય હિતમાં સિંધુ જળ સંધિ કરાર અમને મંજૂર નથી એમ તેમણે કહ્યું હતું.

વડા પ્રધાને લાલ કિલ્લા પરથી સિંધુ જળ કરાર અંગે આ નિવેદન આપી પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે, કારણ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ સહિત અનેક નેતાઓ સિંધુ જળ કરાર અંગે અનાપ-શનાપ નિવેદનબાજી કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અમારા વીર, જાંબાજ સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના કરતાં પણ પરે સજા આપી છે.

ઓપરેશન સિંદૂર બાદ ભારતે સિંધુ જળ સંધિ કરાર અંગે ઘણી વાર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે પણ કહ્યું હતું કે ભારત આ વાત સુનિશ્ચિત કરશે કે સિંધુ નદીના પાણીનું એક પણ ટીપું પાકિસ્તાનને ન જાય. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ કહ્યું હતું કે સિંધુ જળ સંધિ ઐતિહાસિક ભૂલ હતી અને આ આપણા દેશના ખેડૂતોનું દુર્ભાગ્ય હતું કે આપણા દેશમાંથી વહેતી નદીઓનું 80 ટકા પાણી પાકિસ્તાનને આપી દેવાયું હતું.