શ્રીનગરઃ પહલગામ પછી ભારત–પાકિસ્તાન વચ્ચે ચાલતા ટેન્શનમાં સિંધુ જળ સંધિનો વારંવાર ઉલ્લેખ થઈ રહ્યો છે. હવે આ નિવેદન પર પ્રતિસાદ આપતાં જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ CM ફારુક અબદુલ્લાએ કહ્યું હતું કે અમે જાતે ઇચ્છીએ છીએ કે સિંધુ જળ સંધિ પર ફરીથી વિચાર કરવો જોઈએ.
તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી આ સિંધુ જળ સંધિનો પ્રશ્ન છે, આપણે તો ઘણા સમયથી કહી રહ્યા છીએ કે આ સંધિને ફરી જોવી પડશે. આપણે જાતે જ મુશ્કેલીઓમાં છીએ અને વંચિત રહી જઈએ છીએ. આપણો દરિયો છે અને આપણે જ વંચિત રહીએ છીએ, અમે નથી કહેતા કે તેમના માટે પાણી બંધ કરી દઈએ, પણ એટલું કહેવું છે કે અમારો પણ તો હક છે.તેમણે આગળ કહ્યું હતું કે આજે જમ્મુમાં જુઓ તો સૌથી મોટી તકલીફ પાણીની છે અને અમે પ્રયાસ કર્યો હતો કે ચિનાબ નદીમાંથી પાણી ત્યાં લઈ જઈએ, પણ વિશ્વ બેંકે અમને મદદ નહીં કરી અને કહ્યું કે આ તો સિંધુ જળ સંધિ હેઠળ આવે છે.ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે આપણી પાસે ખૂબ જ ઓછી વીજળી છે. આપણે અહીંથી સારી માત્રામાં વીજળી પેદા કરી શકીએ, પણ તેઓ મંજૂરી નથી આપતા, જેથી આપણે પરેશાન છીએ.
પહલગામમાં મિડિયાએ જ્યારે તેમનાથી પર્યટકોની સંખ્યામાં ઘટાડા અંગે પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે હવે પરિસ્થિતિ સામાન્ય છે. વધુમાં વધુ લોકો અહીં આવવા જોઈએ. લોકોએ ડરવું નહીં જોઈએ. જે ડરી ગયો તે મરી ગયો, એમ તેમણે કહ્યું હતું
તેમણે કહ્યું હતું કે હું લોકોને અપીલ કરું છું કે તેઓ માતા વૈષ્ણો દેવીનાં દર્શન માટે પહલગામ, ગુલમર્ગ, શ્રીનગર અને કટરા આવે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે લોકો આતંકવાદથી થાકી ગયા છીએ, તેના માટે PM નરેન્દ્ર મોદી જે પણ પગલાં લેશે, તે અમને મંજૂર છે.
