ભારત-અમેરિકા વચ્ચેનો વિવાદ: નોન-વેજ મિલ્ક શું છે?

નવી દિલ્હીઃ ભારત-અમેરિકા વેપાર સમજૂતી મુદ્દે કૃષિ અને ડેરી એવાં ક્ષેત્ર બની રહ્યાં છે જ્યાં બંને દેશો ‘મધ્યમ માર્ગ’ શોધી રહ્યા છે. ભારત માટે ખેડૂતોનાં હિતોનું રક્ષણ કરવાનું  મહત્વનું છે જ, પરંતુ નોન-વેજ મિલ્ક હવે સાંસ્કૃતિક મુદ્દો પણ બની ગયો છે. અમેરિકા ભારત પર ડેરી માર્કેટ ખોલવા માટે દબાણ કરી રહ્યો છે, પણ ભારત કડક પ્રમાણપત્રોની માગ પર અડગ છે – જેથી ખાતરી થાય કે આયાત કરાતું દૂધ ક્યાંક નોન-વેજ મિલ્ક તો નથી?

નોન-વેજ મિલ્ક એટલે શું?
એવું દૂધ કે જે એવી ગાય કે પશુ પાસેથી મળ્યું હોય જેને માંસ કે લોહી જેવા પશુ-આધારિત ઉત્પાદનો ખવડાવવામાં આવ્યાં હોય, તેને નોન-વેજ મિલ્ક કહેવામાં આવે છે. ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતાઓને ધ્યાનમાં રાખીને ભારત માટે નોન-વેજ મિલ્ક એક “રેડ લાઇન” છે – એટલે કે આવું દૂધ ભારત સ્વીકારી શકે નહીં.

ભારત-અમેરિકા વેપાર માટે અવરોધ
ભારત-અમેરિકા દ્વિપક્ષી વેપારનો ઉદ્દેશ હતો કે 2030 સુધી એ $500 અબજ સુધી વધે. પરંતુ કૃષિ અને ડેરી ઉદ્યોગમાં ભારતની આ રેડ લાઇન મોટો અવરોધ બની ગઈ છે. ભારત કડક પ્રમાણપત્ર માગે છે – જેને આધારે નક્કી થાય કે જે ડેરી ઉત્પાદનો આયાત થાય છે, તે એવી ગાયો પાસેથી મળેલા નથી જેમને માંસ કે લોહી ખવડાવવામાં આવેલું હોય.

GTRIના અજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે કલ્પના કરો કે તમે એવું માખણ ખાઈ રહ્યા છો જે એવી ગાયના દૂધથી બન્યું છે જેને બીજી ગાયનું માંસ કે લોહી ખવડાવાયું છે. ભારત કદાચ ક્યારેય આની મંજૂરી નહીં આપે. ભારતમાં ડેરી ઉત્પાદનો માત્ર ખાદ્ય પદાર્થો નથી, તે ધાર્મિક વિધિઓમાં પણ મહત્વ ધરાવે છે.