અમદાવાદ: શહેરમાં જીવદયા પ્રેમીઓ અને સંસ્થાઓની સંખ્યા સતત વધતી જાય છે. પાળેલાં કૂતરાંની સાથે રખડતાં કૂતરાં અને પશુ-પક્ષી પ્રત્યે સંવેદના પણ વધી છે. પશુ-પક્ષીઓ માટે ચોરા ચબુતરા અને દવાખાનાં આશ્રયસ્થાનો તો બન્યાં.
હવે પાળેલાં કૂતરાં માટે સ્મશાન પણ બન્યું. તાજેતરમાં જ અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશન દ્વારા બહેરામપુરા વિસ્તારમાં આવેલા પંમ્પિંગ સ્ટેશન એનિમલ બર્થ સેન્ટરના કેમ્પસમાં એક આધુનિક સ્મશાન ગૃહનું નિર્માણ કર્યું. આ સ્મશનમાં કૂતરાંની અંતિમવિધિની શરૂઆત પણ થઇ ગઇ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગના લિયાકતભાઇ ચિત્રલેખા.કોમને કહે છે, “આ સીએનજી દ્વારા સંચાલિત સ્મશાન ગૃહ દેશનું પ્રથમ અને એકદમ આધુનિક છે. ડોગ માટેના આ આધુનિક સ્મશાન ગૃહમાં પ્રાઇમરી અને સેકેન્ડરી ચેમ્બર હોવાથી દહન પ્રક્રિયા દરમિયાન ચિમનીમાંથી કોઇ દુર્ગંધ આવતી નથી. મૃત ડોગને લાવ્યા બાદ અહીં ઓટોમેટિક ટ્રોલીમાં મુકી મશીનની અંદર પહોંચાડવામાં આવે છે. હાલ આ સ્મશાન પેટ ડોગ માટે છે. જેમના ડોગનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય એમણે ડોગના મૃત્યુ અંગે એએમસીના 155303 પર જાણ કરવાની હોય છે. જેમણે પેટ ડોગ કે સ્ટ્રીટ ડોગને અંતિમવિધિ આ સ્મશાનમાં કરાવવી હોય એમણે ઓનલાઇન ડોનેશનની રકમ ચૂકવવાની સુવિધા છે. મૃત્યુ પામેલા ડોગને આ બહેરામપુરાના આ સ્મશાનમાં લાવી ફૂલ હાર કરી સન્માન સાથે અંતિમ વિધી કરી શકાશે. અત્યાર સુધીમાં નવ જેટલા પાળેલા શ્વાનની અંતિમ વિધિ અહીં કરવામાં આવી છે.”
માનવીની સંવેદના વધુ સાથે રહેતા અને વફાદાર ગણાતાં શ્વાન પ્રત્યે વધારે હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી શહેરીજનોમાં જેમ જેમ પાલતું અને શેરીના શ્વાન પ્રત્યેની જાગૃતિ આવશે એ પ્રમાણે સુવિધાઓ ઉભી કરાશે. આવનારા સમયમાં અન્ય વિસ્તારોમાં પણ કૂતરાં માટેના આવા સ્મશાન બનાવવાની વિચારણા અને આયોજન ચાલુ છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)




