આતંક ફેલાવશો તો ભારત ચૂપ નહીં બેસેઃ વિદેશ મંત્રીની પાકને ચેતવણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા જિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા બાદ બે દિવસ પછી વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતના સારા અને ખરાબ પડોશીઓ અંગે ખુલ્લેઆમ વાત કરી. તેમણે કહ્યું કે પડોશ પ્રત્યે ભારતનો અભિગમ સંપૂર્ણપણે વ્યાવહારિક છે.

તેમણે કહ્યું હતું કે અમારા કેટલાક પડોશી ખરાબ પણ હોઈ શકે છે. દુર્ભાગ્યવશ, અમને પણ એવા પડોશી મળ્યા છે. જ્યારે પડોશી ખરાબ હોય — જેમ કે પશ્ચિમ તરફનો આપણો પડોશી — અને જો કોઈ દેશ જાણબૂજીને, સતત અને કોઈ પસ્તાવા વિના આતંકવાદને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કરે તો આતંકવાદ સામે પોતાના નાગરિકોની સુરક્ષા કરવાનો અમને સંપૂર્ણ અધિકાર છે. અને અમે આ અધિકારનો ઉપયોગ કરીશું.

આ અધિકારનો ઉપયોગ અમે કેવી રીતે કરીએ છીએ, તે અમારો નિર્ણય છે. કોઈ અમને કહી શકે નહીં કે અમારે શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ. પોતાની સુરક્ષા માટે જે કરવું પડશે, તે અમે કરીશું. ઘણાં વર્ષો પહેલાં અમે જળ વહેંચણી અંગે કરાર કર્યો હતો, પરંતુ જો દાયકાઓ સુધી આતંકવાદ ચાલુ રહે, તો સારા પડોશીનું અસ્તિત્વ જ રહેતું નથી. અને જ્યારે સારા પડોશી રહેતા નથી, ત્યારે તેના લાભ પણ મળતા નથી. તમે એવું કહી શકતા નથી કે મારે તમારી સાથે પાણી વહેંચવું છે, પરંતુ સાથે-સાથે હું તમારા પર આતંકવાદ પણ ચાલુ રાખીશ. એવી  આવી સમજૂતી શક્ય નથી.

કેટલાક પડોશીઓએ અત્યંત ગંભીર આર્થિક સંકટનો સામનો કર્યો હતો. તેનું એક ઉદાહરણ શ્રીલંકા છે અને ત્યારે અમે IMF સાથે તેમની વાતચીત બહુ ધીમી ગતિએ ચાલી રહી હતી, છતાં 4 અબજ ડોલરના પેકેજ સાથે તેમની મદદ કરી હતી,એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.