નવી દિલ્હીઃ EDએ વિદેશમાં સંગ્રહિત કાળાં નાણાં સામે મોટી કાર્યવાહી કરતાં લંડનમાં બકિંઘહામ પેલેસ નજીક આવેલી અંદાજે 150 કરોડ રૂપિયાની મિલકતને જપ્ત કરી છે. આ મિલકત ટેક્સટાઇલ કંપની એસ કુમાર્સ નેશનવાઇડ લિમિટેડ અને તેના ભૂતપૂર્વ CMD નીતિન કાસલીવાલ સાથે જોડાયેલા બેંક લોન ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસથી સંબંધિત છે.
EDના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ મિલકતને જપ્ત કરવા માટે પ્રોવિઝનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. આ હાઇ-વેલ્યુ મિલકત નીતિન શંભુકુમાર કાસલીવાલ અને તેમના પરિવારજનોની બેનિફિશિયલ ઓનરશિપ હેઠળ હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીનો આરોપ છે કે નીતિન કાસલીવાલે ભારતીય બેંકો સાથે અંદાજે 1400 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.આરોપ છે કે કંપની મારફતે વિદેશી રોકાણની આડમાં નાણાં ભારતની બહાર ડાયવર્ટ કરવામાં આવ્યા અને બાદમાં આ નાણાંથી વિદેશોમાં મોંઘી અચલ મિલકતો ખરીદવામાં આવી. આ મિલકતોને વિદેશી જ્યુરિસ્ડિક્શનમાં પ્રાઇવેટ ટ્રસ્ટ અને કંપનીઓના જટિલ માળખા દ્વારા છુપાવવામાં આવી હતી.
23 ડિસેમ્બરે કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોના વિશ્લેષણમાં મોટા ખુલાસાઓ થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે નીતિન કાસલીવાલે બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ, જર્સી અને સ્વિટ્ઝર્લેન્ડમાં ટ્રસ્ટ અને કંપનીઓની જાળ બિછાવી હતી.
કેથરીન ટ્રસ્ટમાં કાસલીવાલ પરિવારને મુખ્ય લાભાર્થી તરીકે દર્શાવવામાં આવ્યો છે, જર્સી અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સની એક કંપની મારફતે લંડનની આ મિલકતને નિયંત્રિત કરતો હતો. આ તરફ દેશમાં પણ આર્થિક ગુનાઓ સામે કાર્યવાહી તેજ રહી છે. જમ્મુ ક્રાઇમ બ્રાંચે વર્ષ 2025માં ગંભીર આર્થિક ગુનાઓના 67 કેસ નોંધ્યા, જે છેલ્લાં 25 વર્ષનો રેકોર્ડ છે. આ કેસોમાં 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. EOWએ વર્ષ દરમિયાન 1186 ફરિયાદોનું નિવારણ કર્યું છે અને 20 કરોડ રૂપિયાની નાણાકીય કિંમત ધરાવતા કેસોમાં ચાર્જશીટ દાખલ કરી છે.




