બૅટલ ઑફ ગલવાનઃ ફિલ્મ કે ફ્રન્ટલાઈન ફાઇટ?

ચાલો ત્યારે, નવા વર્ષે શ્રીરામ રાઘવનની યુદ્ધની પૃષ્ઠભૂ ફિલ્મ ‘ઈક્કીસ’  રિલીઝ થઈ, જે માટે સર્ટિફિકેટ આપતાં પહેલાં સેન્સર બોર્ડે ફિલ્મમાં ચાર મોટા ફેરફાર કરાવ્યા. ભારત–પાકિસ્તાનના સંબંધ વિશેની 15 સેકન્ડનાં એક ડાયલોગ-સિક્વન્સ હટાવવામાં આવ્યાં. એક ટૅન્કનું નામ કાઢી નાખવાનું કહેવામાં આવ્યું, દારૂની બ્રાન્ડને બ્લર કરવામાં આવ્યા, વગેરે.

તે પછી બૉક્સ ઑફિસ પર બધી ફિલ્મમાં ‘ધુરંધર’ સાબિત થયેલી ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મમાંથી બલૂચિસ્તાનના સંદર્ભવાળા અમુક સંવાદ કાઢી નાખવાનું કહેવામાં આવ્યું.

આ બન્ને આદેશ પહેલાં સલમાન ખાનની આગામી ફિલ્મ, અપૂર્વ લાખિયા દિગ્દર્શિત ‘બૅટલ ઑફ ગલવાન’ની એક ઝલક એના 60મા જન્મદિવસે રજૂ થઈ. ફિલ્મની રિલીઝ કાફી દૂર છે ત્યાં તો સરહદની પેલે પાર હોબાળો શરૂ થઈ ગયો. ફિલ્મ 2020ના ગલવાન વેલીમાં ભારત-ચીનના સંઘર્ષ તથા પત્રકાર શિવ અરૂર અને રાહુલસિંહના પુસ્તક ‘ઈન્ડિયા’ઝ મોસ્ટ ફીઅરલેસ 3’ના અમુક અંશ પર આધારિત છે. બન્ને દેશો વચ્ચે થયેલા દ્વિપક્ષી કરારના લીધે ગલવાન યુદ્ધ લાકડી અને પથ્થરથી લડવામાં આવેલું, જેમાં બિહાર રેજિમેન્ટના કર્નલ બી. સંતોષ બાબુ અને તેમના જવાનોએ ચીની સૈનિકો સામે બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો. સલમાન આ જાંબાઝ કર્નલ બી. સંતોષ બાબુનું પાત્ર ભજવે છે.

દરમિયાન ફિલ્મનું ટીઝર જોઈને ચીનાઓ બગડ્યા છે. એમનું કહેવું છે કે આમાં સચ્ચાઈ સાથે ચેડા થયા છે. અર્થાત્ રિલીઝ પહેલાં જ ડેમેજ કંટ્રોલ મોડ ઑન. બોલો.

જો કે ઈન્ડો-ચાયના વૉર આધારિત સલમાનની આ પહેલી ફિલ્મ નથી. કબીર ખાન દિગ્દર્શિત ‘ટ્યુબલાઈટ’ 1962ના ભારત-ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિમાં સર્જાયેલી. રિલીઝ પહેલાં ખૂબ ગાજેલી આ ફિલ્મે, જો કે, ટિકિટબારી પર ખાસ કાંઈ ઉકાળ્યું નહોતું. હા, સલમાન ખાનનો યુદ્ધ વિશેનો, કોઈ પણ ફિલ્ટર વિનાનો, અભિપ્રાય હિટ થયો હતો ખરો. સલમાને કહ્યું હતું કે “કોઈ પણ યુદ્ધ માટે સરકાર અને સિસ્ટમ જવાબદાર હોય છે.”

સલમાન કહે છે કે “યુદ્ધ સારું કે ખરાબ? એવું તમે પૂછો તો કોઈ નહીં કહે કે સારું છે. બે દેશ વચ્ચેનાં યુદ્ધ કે સંઘર્ષ વાતચીતથી સૉલ્વ થવાં જોઈએ. યુદ્ધ નેગેટિવ ઈમોશન છે. છતાં પણ લડાય છે… શા માટે એ કોઈને ખબર નથી.”

એ પછી તો સલમાન આખેઆખી માઈક ડ્રૉપ મૉમેન્ટ આપી દે છેઃ “જે લોકો યુદ્ધનો આદેશ આપે છે એમને જ બંદૂક આપીને મોરચે મોકલવા જોઈએ. પહેલાં એમને લડવા કહો. એક જ દિવસમાં યુદ્ધની સમાપ્તિ થઈ જશે, અને બન્ને દેશો વચ્ચે વાટઘાટ શરૂ થશે. ટ્યુબલાઈટ દ્વારા અમે એટલું જ કહેવા માગતા હતા કે યુદ્ધ બનેએટલું વહેલું ખતમ થવું જોઈએ, જેથી સૈનિકો એમનાં ઘરે પાછા ફરી શકે… કારણ કે યુદ્ધમાં કોઈ જીતતું નથી, બંને બાજુના પરિવારો હારે છે.”

ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે ‘ટ્યુબલાઈટ’ને ચીનમાં ભવ્ય રિલીઝ મળી હતી. તે વખતે ચીની મિડિયાએ ફિલ્મનાં વખાણ કરવામાં પાછળ વળીને જોયું નહોતું. મોટા ઈવેન્ટ્સ, હાઈપ, બધું થયું હતું.

-પણ ‘બૅટલ ઑફ ગલવાનને ચીનમાં રિલીઝ મળવી મિશન ઈમ્પોસિબલ લાગે છે. ખાસ કરીને જ્યારે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ ફિલ્મ પર ફેક્ટ્સ સાથે ચેડાં કરવાનો આરોપ લગાવી ચૂક્યું છે.

ચીની મિડિયાનું કહેવું છે કે ગલવાન વેલી ચીનની અંદર આવે છે અને ભારતીય સૈનિકો લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ વટાવીને અંદર ઘૂસ્યા હતા, એટલે સંઘર્ષ માટે ભારત જવાબદાર છે. ભારતનાં સરકારી સૂત્રોએ આ દાવાને સાફ શબ્દોમાં ફગાવતાં કહ્યું કે, જો કોઈને ‘બૅટલ ઑફ ગલવાન’થી સમસ્યા હોય તો ફિલ્મને નહીં, ભારતના રક્ષા મંત્રાલયને સવાલ પૂછો.

બાકી એટલું ચોક્કસ કે ‘બૅટલ ઑફ ગલવાન’ હવે માત્ર ફિલ્મ નથી. એ તો સિનેમા, સરહદ, રાષ્ટ્રવાદ અને ફ્રી સ્પીચ વચ્ચેનું કન્વર્સેશન છે. હવે જોવાનું એ છે કે આ લડાઈ સ્ક્રીન સુધી જ સીમિત રહેશે કે પછી સરહદ વળોટીને હેડલાઈન્સ બનશે.