ભારત સાથેના અમારા ઝઘડાથી દૂર રહેજોઃ ચીન (અમેરિકાને)

બીજિંગઃ ભારત અને પડોશી ચીન વચ્ચે છેલ્લા પાંચેક દાયકાથી સીમા વિવાદ ચાલે છે. એમાંય છેલ્લા બે વર્ષથી લદાખમાં ગલવાન ખીણપ્રદેશમાં બંને દેશ વચ્ચે સર્જાયેલી લશ્કરી તંગદિલીએ થોડુંક ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.

ભારત-ચીન વચ્ચેના સીમા વિવાદ અંગે અમેરિકાના સૈન્યદળોના મુખ્યાલય પેન્ટેગોન દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં કેટલીક જાણકારી આપવામાં આવી છે. એમાં જણાવવામાં આવ્યું છે કે, 2020ના મે મહિનામાં ભારત અને ચીનના લશ્કરી દળો વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારે અથડામણ થઈ હતી. એને કારણે બંને દેશે વિવાદાસ્પદ સરહદની બંને તરફ પોતપોતાના દળોનો ખડકલો કરી દીધો હતો. હવે બંને દેશ એકબીજાને કહે છે કે તે પોતાના દળો હટાવી લે અને અગાઉના સ્થાને પાછા ફરે, પરંતુ બેઉમાંથી એકેય દેશ શરતનું પાલન કરવા તૈયાર નથી. સીમા વિવાદ ઉકેલવા માટે ભારત અને ચીન દ્વારા વાટાઘાટ સતત ચાલી રહી છે, પરંતુ એમાં કોઈ પ્રગતિ થઈ નથી.

અહેવાલમાં આવી ટિપ્પણીથી ચીન ભડક્યું છે અને અમેરિકાને ચેતવણી આપી છે કે ચીનના ભારત સાથેના સંબંધોના મામલે તે કોઈ પ્રકારે હસ્તક્ષેપ ન કરે. કદાચ ચીનને એવો ડર છે કે અમેરિકા વચ્ચે પડશે તો ભારત એની વધારે નિકટ જતું રહેશે.