ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના સ્ટોરમાલિક પર લૂંટારાનો હુમલો

હેમિલ્ટનઃ ન્યૂઝીલેન્ડના આ ચોથા નંબરના સૌથી મોટા શહેરમાં ભારતીય મૂળના એક વેપારીની માલિકીના સ્ટોર પર હથિયારધારી યુવકોના એક જૂથે હુમલો કર્યાનો અહેવાલ છે. હજી થોડા જ દિવસો પહેલાં ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં કથિતપણે લૂંટની એક ઘટનામાં જનક પટેલ નામના એક ગુજરાતી દુકાનદારની હત્યા કરવામાં આવી હતી. પટેલ જ્યાં કામ કરતા હતા તે રોઝ કોટેજ સુપરીટ ખાતે લૂંટારાઓએ એમને છરો ભોંક્યો હતો, જેને કારણે પટેલનું મૃત્યુ થયું હતું.

સિધુ નરેશ નામના વેપારી નોર્થ આઈલેન્ડના હેમિલ્ટનમાં એક વેપ સ્ટોર (ઈલેક્ટ્રોનિક સિગારેટ વેચતો સ્ટોર) ચલાવે છે. એમણે કહ્યું કે ગયા શુક્રવારે ચાર યુવકે મારા ગળા પર ચાકુ રાખ્યું હતું અને મારા સ્ટાફને ઘૂંટણીયે બેસી જવા કહ્યું હતું. એમણે સ્ટોરમાં તોડફોડ કરી હતી અને દુકાનમાંથી માલ અને 4,000 ન્યૂઝીલેન્ડ ડોલર ચોરીને ભાગી ગયા હતા. લૂંટારા 16 વર્ષથી વધુની ઉંમરના નહીં હોય. પોલીસનું કહેવું છે કે આ એ જ લૂંટારા હોય એવું લાગે છે જેમણે અમુક અઠવાડિયા પહેલા નરેશના જ સ્ટોર પર હુમલો કર્યો હતો.