‘આગામી AI સમિટ ભારતમાં યોજાશે…’, ફ્રાન્સ સમિટમાં PM મોદીના પ્રસ્તાવને મંજૂરી

પેરિસ: ફ્રાન્સમાં તાજેતરમાં યોજાયેલી સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં આગામી AIએક્શન સમિટનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને આ સાથે આગામી AI સમિટ ભારતમાં યોજાવા જઈ રહી છે. તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે સહ-અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમના સમાપન સમયે પોતાના સંબોધન દરમિયાન આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY)ના સચિવ એસ. કૃષ્ણને સમિટ પછી મીડિયા સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી. પૂર્ણ સત્રને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વિશ્વ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં પ્રવેશી રહ્યું છે અને આ દિશામાં નૈતિક, સમાવિષ્ટ અને લોકો-કેન્દ્રિત AI એપ્લિકેશન્સની જરૂરિયાત પર ભાર મૂક્યો.

પીએમ મોદીએ AI સમિટમાં શું કહ્યું?

પોતાના સંબોધનમાં, પ્રધાનમંત્રી મોદીએ AI અપનાવવામાં ભારતની વધતી જતી ભૂમિકા અને વૈશ્વિક વિકાસને આગળ વધારવાની તેની સંભાવના, ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં, અંગે પણ ચર્ચા કરી. તેમણે AI માટે વૈશ્વિક શાસન માળખું બનાવવા માટે સામૂહિક પ્રયાસો કરવા હાકલ કરી. આ માટે તેમણે સહિયારા મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની, જોખમોનો સામનો કરવાની અને વિશ્વાસને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. PMએ તેમના સંબોધનમાં એમ પણ કહ્યું કે, “દેશો વચ્ચે ઊંડી પરસ્પર નિર્ભરતા છે. તેથી, આપણા સહિયારા મૂલ્યોને જાળવી રાખવા, જોખમોને સંબોધવા અને વિશ્વાસને મજબૂત કરવા માટે સામૂહિક વૈશ્વિક પ્રયાસની જરૂર છે.”

પીએમ મોદીએ ભારતમાં AI નો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે તે જણાવ્યું
AI માં ભારતની સિદ્ધિઓ શેર કરતા, પ્રધાનમંત્રીએ સમજાવ્યું કે ભારત આરોગ્ય, કૃષિ, શિક્ષણ અને સ્માર્ટ શહેરોમાં AI નો ઉપયોગ કેવી રીતે કરી રહ્યું છે. તેમણે એવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું જ્યાં AI નો ઉપયોગ માનવતાને લાભ આપી શકે છે, ખાસ કરીને ગ્લોબલ સાઉથના વિકાસ માટે.