અમેરિકા, ચીન નહીં ભારત બનશે વિશ્વનું ગ્રોથ એન્જિનઃ JP મોર્ગન

નવી દિલ્હીઃ ભારતની આર્થિક વૃદ્ધિની ગાડી પાટા પર છે. જેપી મોર્ગને ટ્રેડવૉરના વાદળોમાં ભારતનું અર્થતંત્ર સુરક્ષિત હોવાનું જણાવ્યું છે. આવનારા સમયમાં ભારત એક સેફ હેવન એટેલે કે સુરક્ષિત  સ્થાન બનીને ઊભરી આવશે અને અર્થતંત્રમાં તેજી જોવા મળશે, એમ ફાઈનાન્સિયલ સર્વિસ કંપની જેપી મોર્ગનનો અહેવાલ કહે છે.

આગામી સમયમાં ભારત એક સુરક્ષિત અર્થતંત્ર તરીકે ઊભરી આવશે તેમ જ ઝડપી ગતિએ આગળ વધશે. સર્વેમાં સામેલ દેશોમાંથી ભારતનો જીડીપી સૌથી વધુ રહેવાનો અંદાજ છે. ઉભરતાં બજારો અંગે પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યા છે. માર્કેટ ઈક્વિટીનું રેટિંગ પણ ન્યૂટ્રલથી વધારી ઓવરરેટ કર્યું છે. જે ઉભરતા બજારમાં વિકાસની અનેક સંભાવનાઓ દર્શાવે છે, એમ અહેવાલ કહે છે.

જેપી મોર્ગને ભારત મુદ્દે કહ્યું છે કે  વિશ્વમાં ટ્રેડવોરનો બીજો તબક્કો શરૂ થઈ શકે છે. આ સ્થિતિમાં પણ ભારત સુરક્ષિત છે. ટેરિફ વોરમાં મોટા દેશ એક-બીજા પર ટેરિફ વધારી શકે છે. આ સ્થિતિમાં રોકાણકાર સુરક્ષિત સ્થળની શોધ કરશે. જેમાં ભારત મજબૂત ફંડામેન્ટલ્સ અને સ્થિર નીતિઓના કારણે રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બની શકે છે.

ભારતની ઈકોનોમિક સાયકલ પોઝિટિવ હોવાનું જણાવ્યું છે. ભારતની ઈકોનોમિક સાયકલ પોઝિટિવ રહેવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. જેમાં વ્યાજના દરોમાં ઘટાડો, ગ્રામીણ ક્ષેત્રોમાં માગમાં વધારો અને ટેક્સમાં ઘટાડો જેવાં પરિબળો સામેલ છે, એમ અહેવાલ કહે છે.

ગ્રામીણ માગ વધશે

વ્યાજના દરોમાં ઘટાડો નોંધાતાં લોકોની ખરીદશક્તિ વધશે. જેનો સીધો લાભ અર્થતંત્રને મળશે. ગ્રામીણ ક્ષેત્રોમાં પણ માગ વધવાથી ભારતનું અર્થતંત્ર વેગવાન બનશે. ટેક્સમાં ઘટાડાની માગ કરીએ તો લોકો અને કંપનીઓ પાસે ખર્ચ તથા રોકાણ કરવાની ક્ષમતા વધશે. જેનાથી દેશના અર્થતંત્રને પ્રોત્સાહન મળશે.