નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતના પ્રવાસે છે. આ પ્રવાસ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી ભારત તરફથી તાલિબાનના કોઈ વરિષ્ઠ નેતાનું પહેલું ઉચ્ચ સ્તરીય સ્વાગત છે. તેઓ આઠ દિવસ માટે ભારત આવ્યા છે. એ દરમિયાન દ્વિપક્ષી, રાજકીય તેમ જ આર્થિક મુદ્દાઓ સહિત અનેક બાબતો પર ચર્ચા થશે.
દિલ્હીમાં વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી વચ્ચે દ્વિપક્ષી બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા દિશામાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. ભારતે કાબુલમાં પોતાના ટેક્નિકલ મિશનને દૂતાવાસનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. આ બંને દેશો માટે એક મોટું અને મહત્વપૂર્ણ રાજદ્વારી પગલું છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનના પ્રતિનિધિમંડળનું દિલ્હીમાં હાર્દિક સ્વાગત કર્યું હતું. બેઠક દરમિયાન તેમણે ભારતની સુરક્ષા પ્રત્યે અફઘાનિસ્તાનની સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી.તેમણે પહેલગામ આતંકવાદી હુમલામાં અફઘાનિસ્તાનના સમર્થનને નોંધપાત્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે લડવા માટે સંકલિત પ્રયાસો જરૂરી છે. બંને દેશો આ મુદ્દે સાથે કામ કરશે, જે પ્રાદેશિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.
ભારતે અફઘાનિસ્તાનની અખંડિતતા, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા માટે પોતાની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ભારતનો અભિગમ એ છે કે અફઘાન જનતાનું ભવિષ્ય તેઓ પોતે નક્કી કરવું જોઈએ.
Opening remarks at my meeting with Afghan FM Muttaqi, in New Delhi.
https://t.co/incgPxvRnH— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 10, 2025
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યું?
વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ ભારત સાથે મિત્રતા અને સહકારની વાત કરી અને અનેક મહત્વપૂર્ણ બાબતો રજૂ કરતાં. કહ્યું હતું કે અમેરિકન કબજાની અવધિ દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ અફઘાનિસ્તાનએ ક્યારેય ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું નથી. અફઘાનિસ્તાન હંમેશા ભારત સાથેના સારા સંબંધોને મહત્વ આપે છે.
તેમણે છેલ્લાં ચાર વર્ષમાં અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપ પછી ભારતે આપેલી મદદ માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ બતાવે છે કે મુશ્કેલ સમયમાં ભારત અફઘાનિસ્તાનની પડખએ ઊભું રહે છે. અફઘાનિસ્તાન ભારતને એક નજીકના મિત્ર તરીકે જુએ છે.
