મુંબઈ: રવિ અશ્વિનની ગણતરી વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓફ સ્પિન બોલરોમાં થાય છે. બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ ત્યારે અશ્વિને અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા હતા. છેલ્લા ઘણા સમયથી અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ માટે સતત મુખ્ય સ્પિનરની ભૂમિકા ભજવી રહ્યો હતો. જો કે હવે તેણે નિવૃત્તિનો નિર્ણય લઈને ચોક્કસપણે બધાને આંચકો આપ્યો છે. અશ્વિન 19 ડિસેમ્બરની સવારે દેશ પરત ફર્યો હતો જેમાં તે ફ્લાઈટ દ્વારા સીધો ચેન્નાઈ પહોંચ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ પહેલીવાર અશ્વિને પોતાના નિવૃત્તિના નિર્ણય વિશે ખુલીને વાત કરી હતી જેમાં તેણે સ્પષ્ટ કર્યું હતું કે તેને કોઈ પણ પ્રકારનો પસ્તાવો નથી.
હવે હું ચેન્નાઈ સુપર કિંગ્સ માટે લાંબા સમય સુધી રમી શકું છું
રવિ અશ્વિને ચેન્નાઈમાં પોતાના ઘરે પહોંચ્યા બાદ ન્યૂઝ એજન્સી ANIને આપેલા નિવેદનમાં પોતાના નિવૃત્તિના નિર્ણય અંગેના સવાલનો જવાબ આપતા કહ્યું કે ક્રિકેટર તરીકે મારામાં હજુ ઘણું બાકી છે. હું હવે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી લાંબા સમય સુધી રમી શકું છું. મને લાગે છે કે હું એક ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખીશ, માત્ર એક આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકેની મારી સફર પૂરી થઈ છે. આપણે બધા જાણીએ છીએ કે એક ખેલાડી તરીકે આપણું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું છે. જ્યારે હું સૂઈ જતો હતો, ત્યારે હું ઘણી બધી બાબતો વિશે વિચારતો હતો જેમ કે વિકેટ કેવી રીતે મેળવવી, રન કેવી રીતે બનાવવા, પરંતુ છેલ્લા 2 વર્ષમાં એવું કંઈ નહોતું થયું જેનાથી મને સંકેત મળે કે હવે મારે અલગ રસ્તો અપનાવવો જોઈએ. અત્યારે મેં કોઈ નવો ટાર્ગેટ બનાવ્યો નથી અને માત્ર આરામ કરવા માંગુ છું.
જ્યારે રવિ અશ્વિન ચેન્નાઈમાં પોતાના ઘરે પહોંચ્યો ત્યારે ત્યાં ઘણા બધા લોકો પહેલાથી જ હાજર હતા, આ અંગે તેણે કહ્યું કે મેં વિચાર્યું ન હતું કે આટલા લોકો અહીં આવશે, હું માત્ર ઘરે જઈને શાંતિથી આરામ કરવા માંગતો હતો, પરંતુ આ બધા લોકો. મારો દિવસ ખાસ બનાવ્યો. હું લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છું પરંતુ 2011ના વર્લ્ડ કપ જીત્યા બાદ મેં મારા ઘરની પાસે આવી ભીડ જોઈ હતી.