બાંગ્લાદેશ: પોલીસ અને ચિન્મય કૃષ્ણ દાસના અનુયાયીઓ વચ્ચે હિંસક અથડામણ બાદ 8મી ડિસેમ્બર ચિત્તાગોંગ કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ઢાકા ટ્રિબ્યુનલના અહેવાલ મુજબ, આ કેસમાં ધરપકડ કરાયેલા ચિન્મય કૃષ્ણ દાસને દેશદ્રોહના આરોપમાં મુખ્ય આરોપી જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય આ કેસમાં 164 ઓળખાયેલા લોકો અને 400-500 અજાણ્યા લોકોના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે.
ઈનામુલ હકે કેસ દાખલ કર્યો હતો
બિઝનેસમેન અને હેફાઝત-એ-ઈસ્લામ બાંગ્લાદેશના કાર્યકર્તા ઈનામુલ હક તરફથી આ કેસ ચિત્તાગોંગ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. હકે આરોપ લગાવ્યો છે કે 26મી નવેમ્બરે જ્યારે તે જમીન રજિસ્ટ્રીનું કામ પૂરું કરીને કોર્ટમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે ચિન્મય કૃષ્ણ દાસના સમર્થકોએ તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેને માથા અને જમણા હાથે ગંભીર ઈજાઓ થઈ હતી.
ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હુમલાને કારણે ભારત-બાંગ્લાદેશના સંબંધો તંગ બન્યા છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર હુમલામાં વધારો થયો છે અને આ ઘટનાઓ બાંગ્લાદેશના હિંદુ સમુદાય પ્રત્યેની વધતી જતી ચિંતાઓને દર્શાવે છે. બાંગ્લાદેશની કોર્ટે ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર સુનાવણી 2 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. કોર્ટનું કહેવું છે કે તેમની તરફેણમાં કોઈ વકીલ હાજર નહોતો. તેથી કોર્ટે આ નિર્ણય લેવો પડ્યો.