અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મતદાન કેન્દ્ર શહેરના રાણીપ વિસ્તારની નિશાંત સ્કૂલમાં છે. જ્યારે ગૃહ મંત્રી અમિત શાહનું મતદાન કેન્દ્ર નારણપુરા વિસ્તારના કામેશ્વર મહાદેવની બાજુમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં છે. વડાપ્રધાન અને ગૃહ મંત્રી ગુજરાતના સ્થાનિક હોવાથી જબરજસ્ત લોક ચાહના ધરાવે છે. સભા સરઘસમાં તો એમને જોવા મળવા ટોળા ઉમટી પડે પણ મતદાન કરવા આવે ત્યારે એક અલગ જ ઉત્સાહનો માહોલ જોવા મળે છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં લોકો પક્ષના ઝંડા, પ્લેકાર્ડ, ખેસ, ટોપીઓ સાથે સમગ્ર વિસ્તારમાં માર્ગોની બંને તરફ ગોઠવાઇ ગયા હતા.રાણીપના બલોલ નગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પગપાળા મતદાન મથક સુધી લોકોનું અભિવાદન ઝિલતા ઉમળકા સાથે પહોંચ્યા હતા. નિશાંત સ્કૂલમાંથી જ્યારે નરેન્દ્ર મોદી મતદાન કરીને પરત ફર્યા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા. પ્લેકાર્ડ લઇને ઉભેલા બાળકોને જઇને મળ્યા. બાળકોને વ્હાલથી માથે હાથ ફેરવી સાંત્વના આપી.. ઓટોગ્રાફ આપ્યા હતા.
સોસાયટીના નાકે પાળી પર કલાકોથી વડાપ્રધાનને મળવાની રાહ જોતી અને પોતે બનાવેલું ચિત્ર બતાવવા આતુર બાળકી તરફ નજર પડતાં જ વડાપ્રધાન એની નજીક ગયા. રેલિંગની પેલે પારથી બાળકીએ બનાવેલું નરેન્દ્ર મોદીનું ચિત્ર લઇ એની પર પેનથી વડાપ્રધાને ઓટોગ્રાફ આપ્યો. બાળકી અને નરેન્દ્રભાઇના ચાહકો વડાપ્રધાનની બાળકો પ્રત્યેની લાગણી જોઇ ભાવવિભોર થઇ ગયા.
આજ રીતે નારણપુરામાં અમિત શાહ જે મતદાન કેન્દ્ર પર મત આપે છે એ બુથની બહાર એક બાળકી કેન્દ્રના ગૃહમંત્રીનું પોટ્રેટ ચિત્ર તૈયાર કરી ઉભી હતી. અમિતભાઇએ બાળકીને મળીને ઓટોગ્રાફ આપ્યા હતા.
સામાન્ય રીતે ભારત દેશમાં બાળકો કે યુવાનો ફિલ્મ સ્ટાર્સ કે ક્રિકેટ પ્લેયર્સના જબરા ફેન હોય છે. એમની સાથે ફોટા પડાવવા અને ઓટોગ્રાફ માટે પડા પડી કરે છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્ય મંત્રી હતા ત્યારથી જ દરેક વર્ગના લોકો એમની સાથે ફોટા પડાવવા અને ઓટોગ્રાફ્સ માટે પડાપડી કરે છે. જે એમના વર્ષોના જાહેર જીવનની લોકપ્રિયતા બતાવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)
