ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલની અંદર ‘ડેથ સેલ’માં માનસિક યાતનાઓ આપવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યોં છે. તેમના પુત્રોએ આ દાવો કરતાં ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે કદાચ તેઓ પોતાના પિતાને ફરી ક્યારેય ન જોઈ શકે. ભ્રષ્ટાચારના આરોપોમાં ઇમરાન ખાન ઓગસ્ટ, 2023થી જેલમાં બંધ છે.
કાસિમ અને સુલેમાન ખાનના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે તેઓ બે વર્ષથી વધુ સમયથી એકાંત કેદમાં છે. જેલની પરિસ્થિતિઓ અત્યંત દયનીય છે. તેમને સંપૂર્ણપણે અલગ રાખવામાં આવ્યા છે અને કોઈને મળવાની પરવાનગી નથી. હવે અમને ડર લાગી રહ્યો છે કે કદાચ અમે તેમને ફરી ક્યારેય નહીં જોઈ શકીએ. ઇમરાન ખાનના બંને પુત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા મહિનાઓથી તેમનો પિતા સાથે કોઈ સંપર્ક નથી થયો. તેમનો દાવો છે કે પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ થતી જઈ રહી છે.
તેમણે કહ્યું હતું કે તેમને ગંદું પાણી આપવામાં આવે છે. તેઓ એવા કેદીઓની વચ્ચે રાખવામાં આવ્યા છે, જે હેપેટાઇટિસથી મરી રહ્યા છે. હાલ આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. અમે આશા રાખી રહ્યા છીએ, પરંતુ હાલ પરિસ્થિતિ વધુ બગડતી જઈ રહી છે.
પુત્રોએ આગળ ઉમેર્યું હતું કે આમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો નજરે નથી પડતો. હવે અમને ભય છે કે કદાચ અમે તેમને ફરી ક્યારેય ન જોઈ શકીએ. ઇમરાન ખાનના નાના પુત્ર કાસિમના જણાવ્યાનુસાર પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપકને “માનસિક યાતના” આપવામાં આવી રહી છે, કારણ કે જેલના રક્ષકોને પણ તેમની સાથે વાત કરવાની મંજૂરી નથી. મોટા પુત્રે દાવો કર્યો હતો કે તેમના પિતા કથિત રીતે દિવસમાં 23 કલાક એવી કોટડીમાં વિતાવે છે, જેને તેમણે “મોતની કોઠરી” એટલે કે ‘ડેથ સેલ’ ગણાવી છે.


