ભારતમાંથી જાય છે USમાં ગેરકાયદે ડ્રગ્સ?: ટ્રમ્પે રજૂ કરી 23 દેશોની યાદી

નવી દિલ્હીઃ ભારત, ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત 23 દેશોને અમેરિકાએ ડ્રગ્સની લેવડદેવડ કે ડ્રગ્સ બનાવનારા દેશોની શ્રેણીમાં સામેલ કર્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત અમેરિકન કોંગ્રેસને એક ઔપચારિક નોટિફિકેશનમાં કહી છે. રાષ્ટ્રપતિની વાર્ષિક ઔપચારિક જાહેરાતમાં દુનિયાભરમાં ડ્રગ્સની હેરાફેરી, ખાસ કરીને સિન્થેટિક ઓપિયોઇડ્સ અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે. ટ્રમ્પે આને અમેરિકા અને તેના નાગરિકોની સુરક્ષાને ગંભીર ખતરો ગણાવ્યો છે. ડ્રગ્સ સંબંધિત આ યાદીને ક્યારેક મેજર્સ લિસ્ટ પણ કહેવામાં આવે છે.

ટ્રમ્પે પાંચ દેશો – અફઘાનિસ્તાન, બોલિવિયા, બર્મા, કોલંબિયા અને વેનેઝુએલાની આ બાબતે કટાક્ષ કર્યો હતો કે ગયા વર્ષ 2024માં આ દેશો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિયમોના પાલનમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે ડ્રગ્સની આ યાદીમાં સામેલ થવાનો અર્થ એ નથી કે કોઈ દેશની નીતિઓ કે અમેરિકા સાથેના સહકાર પર પ્રશ્ન ઊઠે છે, પરંતુ આ યાદીમાં સામેલ થવાનો અર્થ એ છે કે ભૌગોલિક સ્થિતિ, વેપારી માર્ગો અને આર્થિક પરિબળો એવાં છે જેને કારણે ત્યાં ડ્રગ્સનું ઉત્પાદન થાય છે કે હેરાફેરી થઈ રહી છે. કોઈ દેશ અમેરિકા સાથે મળી ડ્રગ્સ રોકવા કામ કરે છે છતાં પણ તેના માધ્યમથી ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હોય તો તેને આ યાદીમાં મૂકવામાં આવે છે.

ભારતને એવા દેશ તરીકે સામેલ કરવામાં આવ્યું છે જ્યાંથી ડ્રગ્સ અમેરિકા સહિત બીજા અનેક દેશોમાં જાય છે. જ્યારે ચીન વિશે કહેવામાં આવ્યું છે કે ફેન્ટેનિલ અને મેથામફેટામાઇન ઉપરાંત નાઇટાઝિન જેવા નવા સિન્થેટિક ઓપિયોઇડ્સના ગેરકાયદે ઉત્પાદન માટે જરૂરી કેમિકલ્સનું તે વિશ્વનું સૌથી મોટોં સ્રોત છે. ટ્રમ્પે ચીનને આ હેરાફેરી રોકવા તથા તેમાં સામેલ લોકો સામે કડક અને સતત કાર્યવાહી કરવા આહ્વાન કર્યું છે.