હોળીના રંગોથી મુશ્કેલી હોય તો હિજાબ પહેરી લોઃ રઘુરાજ સિંહ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ સરકારના રાજ્ય મંત્રી રઘુરાજ સિંહે અલીગઢમાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ધુળેટીના રંગોને કારણે જે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તે પુરુષોએ હિજાબ પહેરવું જોઈએ. તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે જેમ મુસ્લિમ મહિલાઓ હિજાબ પહેરે છે તેવી જ રીતે પુરુષોએ પણ હિજાબ પહેરવો જોઈએ. હિજાબ પહેરો જેથી તમારી ટોપી અને શરીર સુરક્ષિત રહે. હવે મંત્રીના આ નિવેદનને લઈને હોબાળો થયો છે, તેની ટીકા થઈ રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધુળેટીમાં વિક્ષેપ સર્જનારાઓ માટે ત્રણ વિકલ્પ છે – જેલમાં જાઓ, રાજ્ય છોડી દો અથવા યમરાજ પાસે પોતાનું નામ નોંધાવો.’ રઘુરાજ સિંહે એમ પણ કહ્યું હતું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મંદિર બનાવવામાં આવશે, તે લોકોએ બહુમતનું સન્માન કરવું જોઈએ.’

તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે વર્ષમાં 52 વખત જુમ્મા આવે છે અને ધુળેટી એક જ દિવસ આવે છે, તેથી એક દિવસ મોડી નમાજ પઢો. જો ધુળેટી રમતા સમયે નમાજ અદા કરવાની હોય, તો હું તમને બેગમ હિજાબ પહેરે છે તેવી તાડપત્રી પહેરવાનું સૂચન કરું છું, જેથી તમે રંગોથી સુરક્ષિત રહો.

રઘુરાજ સિંહે એમ પણ કહ્યું હતું કે AMUમાં મંદિર બનાવવામાં આવશે અને આ લોકોએ બહુમતનું સન્માન કરવું જોઈએ. મારી માગ છે કે AMUમાં રામ મંદિર બને. જો તે બને છે તો હું પ્રથમ ઇંટ મૂકીશ. ત્યાં વ્યક્તિ મંદિર માટે સર્વસ્વ બલિદાન આપી શકે છે.