નવી દિલ્હીઃ હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2026 મુજબ આ વર્ષે ભારતમાં અરબપતિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ યાદીમાં 57 નવા લોકોનો સમાવેશ થયો છે. તેની સાથે દેશમાં કુલ અરબપતિઓની સંખ્યા 308 થઈ ગઈ છે. આથી ભારત હવે ચીન અને અમેરિકાના બાદ દુનિયામાં અરબપતિઓની સંખ્યાના મામલે ત્રીજા ક્રમે આવી ગયું છે. હુરુનના રિપોર્ટ અનુસાર આ વર્ષે યાદીમાં જોડાયેલા ઘણા નવા અરબપતિઓ હેલ્થકેર, ઓટો કોમ્પોનન્ટ્સ, એનર્જી અને ફાઇનાન્સિયલ સર્વિસિસ જેવાં ક્ષેત્રોમાંથી આવ્યા છે. જોકે કેટલાક લોકો આ વર્ષે અરબપતિઓની ક્લબમાંથી બહાર પણ થયા છે.
ભારતીય અરબપતિઓની સરેરાશ સંપત્તિ ચીન કરતાં વધુ
ભારત અરબપતિઓની સંખ્યાના મામલે વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ભારત હવે માત્ર ચીન અને અમેરિકા પાછળ છે. ભારતીય અરબપતિઓની કુલ સંપત્તિ લગભગ રૂ. 112 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2026 મુજબ ભારતીય અરબપતિઓની સરેરાશ સંપત્તિ લગભગ રૂ. 36,570 કરોડ છે, જે ચીનના અરબપતિઓની સરેરાશ સંપત્તિ કરતાં વધુ છે.
મુંબઈ હજુ પણ ભારતના અરબપતિઓનું મુખ્ય કેન્દ્ર
મુંબઈ હજુ પણ ભારતના અરબપતિઓનું સૌથી મોટું કેન્દ્ર છે. શહેરમાં કુલ 95 અરબપતિ છે. જોકે એશિયાની અરબપતિઓની રાજધાની તરીકેનું સ્થાન હવે શેનઝેન પાસે ગયું છે. આ વર્ષે મુંબઈમાં 15 નવા અરબપતિ ઉમેરાયા, જે ન્યુ યોર્ક (14) અને લંડન (9) કરતાં વધારે છે. કુલ મળીને 199 ભારતીય અરબપતિઓની સંપત્તિમાં વધારો થયો છે, જ્યારે 109 લોકોની સંપત્તિ ઘટી છે અથવા તેમાં કોઈ ફેરફાર થયો નથી.
મુકેશ અંબાણી ભારત અને એશિયાની સૌથી શ્રીમંત વ્યક્તિ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ભારતના તેમ જ એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકે યથાવત્ રહ્યા છે. તેમની સંપત્તિમાં નવ ટકાનો વધારો થઈ લગભગ રૂ. 9.8 લાખ કરોડ થઈ ગઈ છે.
ગૌતમ અદાણી બીજા નંબરના સૌથી ધનિક ભારતીય રહ્યા, જેમની સંપત્તિ લગભગ રૂ. 7.5 લાખ કરોડ છે. HCL ટેક્નોલોજીસનાં રોશની નાદર મલ્હોત્રા અને પરિવાર રૂ. 3.2 લાખ કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. તેઓ ભારતના ટોપ 10 સૌથી ધનિક લોકોમાં એકમાત્ર મહિલા છે.


