નવી દિલ્હીઃ આ વર્ષે ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થયું હતું, જે હવે પૂર્ણ થયું છે. આ ચોમાસા સત્રમાં બિહારની મતદાર યાદી રિવિઝન (SIR)થી લઈને અંતે આપરાધિક કેસોમાં ધરપકડ બાદ PM અને CMને ખુરશી પરથી હટાવવાનાં બિલો સુધી ભારે બબાલ થઈ હતી. હવે સવાલ એ છે કે સંસદના સત્રમાં હંગામાથી કેટલું નુકસાન થયું?
લોકસભામાં 120 કલાકની ચર્ચાનો ટાર્ગેટ હતો, જેમાંથી ફક્ત 37 કલાક જ ચર્ચા થઈ શકી હતી. એક મહિના સુધી ચાલેલા આ સત્રમાં લોકસભામાં 12 અને રાજ્યસભામાં 14 બિલો પસાર થયાં.
સંસદમાં ચર્ચાનો ખર્ચ કેટલો આવે છે?
સંસદમાં જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે એક મિનિટનો ખર્ચ સામાન્ય માણસની આખા વર્ષની કમાણી જેટલો ગણાય છે. અહીં એક મિનિટ માટે રૂ. 2.5 લાખ જેટલો ખર્ચ થાય છે. એટલે કે એક કલાકમાં રૂ. 1.5 કરોડથી વધુનો ખર્ચ થાય છે. આ આંકડો વર્ષ 2012માં પૂર્વ સંસદીય કાર્યમંત્રી પવન બન્સલ દ્વારા આપવામાં આવ્યો હતો. હવે લગભગ 13 વર્ષ બાદ આ ખર્ચ ઘણી ગણો વધી ગયો છે.
કેટલું થયું નુકસાન?
સંસદના આ સત્રમાં અનેક સો કરોડ સુધી પહોંચ્યો છે. 120 કલાકના ટારગેટમાં ફક્ત 37 કલાક જ ચર્ચા થઈ, તો હિસાબ લગાવતાં આ આંકડો રૂ. 1245,000,000 (લગભગ રૂ. 1245 કરોડ) સુધી પહોંચ્યો છે. જો એમાંથી લંચના થોડા કલાકો કાઢી નાખીએ તો પણ નુકસાન અનેક સો કરોડનું જ છે. આ બધા પૈસા સીધા ટેક્સપેયર્સની ખિસ્સામાંથી જાય છે.

કયા મુદ્દાઓ પર થતો રહ્યો હંગામો?
દરેક સંસદ સત્રમાં વિરોધ પક્ષ સરકારને કોઈ ને કોઈ મોટા મુદ્દા પર ઘેરવાની યોજના બનાવે છે. આ વખતે બિહારની મતદાર યાદી રિવિઝનને લઈને સરકારને ઘેરવામાં આવી. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે વિરોધ પક્ષના સાંસદો સતત માગ કરતા રહ્યા અને કાર્યવાહી અટકતી રહી હતી.




