રાજ્યસભાની 11 બેઠકો પર કેટલું ક્રોસ વોટિંગ?

નવી દિલ્હીઃ દેશનાં ત્રણ રાજ્યોની કુલ 11 રાજ્યસભા બેઠકો માટે આજે મતદાન થયું છે. પરિણામો પણ થોડા સમય પછી જાહેર કરવામાં આવશે. આ વખતે રાજ્યસભાની કુલ 37 બેઠકો માટે ચૂંટણી થવાની હતી, જેમાંથી 26 ઉમેદવારો પહેલાથી જ નિર્વિરોધ ચૂંટાઈ ચૂક્યા છે. આજે જે ત્રણ રાજ્યોમાં રાજ્યસભા માટે મતદાન થયું તેમાં બિહારની પાંચ બેઠકો, હરિયાણાની બે બેઠકો અને ઓડિશાની ચાર બેઠકો સામેલ છે.

બિહારની પાંચ બેઠકો માટે છ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે હરિયાણાની બે બેઠકો માટે 3 ઉમેદવારો અને ઓડિશાની ચાર બેઠકો માટે 5 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે. 

પાંચમી બેઠક પર અસલી ટક્કર

NDA તરફથી નીતીશકુમાર અને નીતિન નવીન સહિત પાંચ ઉમેદવારો મેદાનમાં છે. નીતીશકુમાર, રામનાથ ઠાકુર, નીતિન નવીન અને ઉપેન્દ્ર કુશવાહાની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. પરંતુ અસલી મુકાબલો પાંચમી બેઠક માટે છે, જ્યાં NDAના શિવેશકુમાર રામ અને મહાગઠબંધનના અમરેન્દ્રધારી સિંહ ઉર્ફે એડી સિંહ આમને-સામને છે.

 ઓડિશામાં ચોથી બેઠક માટે જંગ

ક્રોસ વોટિંગની ભીતિ વચ્ચે બિહારમાં કોંગ્રેસના ત્રણ અને આરજેડીના એક ધારાસભ્ય મતદાન માટે હાજર રહ્યા નહોતા. હરિયાણામાં સ્વતંત્ર ઉમેદવાર સતીશ નાંદલને કારણે રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જો નવ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોય તો કોંગ્રેસનું ગણિત બગડી શકે છે, તેથી મતદાન પહેલાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈને હિમાચલ પ્રદેશ ગઈ હતી.

ઓડિશામાં ભાજપના બે ઉમેદવારો અને BJDના એક ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. ચોથી બેઠક માટે કઠિન સ્પર્ધા છે. જો ઓડિશામાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોય તો પરિણામોમાં મોટો ફેરફાર આવી શકે છે.

 દર બે વર્ષે ચૂંટણી

રાજ્યસભાના દરેક સભ્યનો કાર્યકાળ છ વર્ષનો હોય છે, પરંતુ બધા સભ્યોનો કાર્યકાળ એકસાથે શરૂ કે પૂર્ણ થતો નથી. તેના બદલે દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે અને તેમની જગ્યાએ નવી ચૂંટણી યોજાય છે. આ વ્યવસ્થા કારણે સભામાં હંમેશાં અનુભવી સભ્યો રહે છે અને કામકાજ સતત ચાલતું રહે છે.