અમદાવાદઃ પ્લાસ્ટિક પ્રદૂષણ આજે વિશ્વભરમાં ભારે ચિંતાનો વિષય છે. ત્યારે શક્ય એટલે પ્લાસ્ટિક ઉપયોગ ઘટાડવા માટે પણ ચર્ચાઓ થઇ રહી છે, ત્યારે રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટને મુદ્દે હાઇકોર્ટે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કડક પગલાં લેવા માટે હુકમ કર્યો છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી માત્ર મોનિટરિંગની નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એ પણ જવાબદારી છે કે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે યોગ્ય પગલાં લઈ રહી છે કે કેમ તેનું પણ ધ્યાન આપે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે અપાતા આડેધડ કોન્ટ્રેક્ટ અને તેમ છતાંય પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની યોગ્ય કામગીરી ન થવાના મુદ્દે હાઇકોર્ટ નારાજગી વ્યક્ત કરી હતી.
પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવનાર જે પણ હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ વ્યક્તિ કે સંસ્થાને જોયા વિના GPCB પોતાનું કામ યોગ્ય રીતે કરે તેવો કોર્ટે નિર્દેશ જાહેર કર્યો છે. દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકા પાસેથી સમયાંતરે પ્રદૂષણ નિયંત્રણ માટે થયેલી કામગીરીનો રિપોર્ટ મેળવવો તે GPCBની જવાબદારી છે.
માત્ર રિપોર્ટના આધાર પર નહીં પરંતુ મળેલી ફરિયાદો પર પણ GPCBએ કામગીરી કરવી જોઈએ. ગિરનાર અભયારણ્ય અને ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધની માગણી સાથેની અરજી પર થયેલી સુનાવણીમાં હાઇકોર્ટે આ હુકમ કર્યો હતો.
આ પહેલાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજયના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ, મટીરિયલ રિકવરી ફેસિલિટી, પ્લાસ્ટિક વેસ્ટના રુલ્સ અને નોર્મ્સનું પાલન થાય છે કે નહીં તે તમામ મુદ્દે વિગતવાર ડેટા સાથેનો રિપોર્ટ રજૂ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને હુકમ કર્યો હતો.