ફ્રી મેડિકલ સર્વિસ મુદ્દે HCની પંજાબ, હરિયાણાને ફટકાર

ચંડીગઢઃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે બુધવારે પંજાબ સરકારને જિલ્લા હોસ્પિટલોને MRI અને સિટી સ્કેન જેવી મૂળભૂત સુવિધાઓથી લેસ કરવામાં નિષ્ફળ જવાને લઈને ફટકાર લગાવી હતી. ખંડપીઠે જણાવ્યું હતું કે મફત સારવાર આપવી રાજ્યની ફરજ છે.

મુખ્ય ન્યાયમૂર્તિ શીલ નાગુ અને ન્યાયમૂર્તિ સંજીવ બેરીની ખંડપીઠે પંજાબ, હરિયાણા અને ચંદીગઢને આદેશ આપ્યો છે કે તેઓ સોગંદનામું ફાઇલ કરીને તંત્રના આરોગ્ય સેવાનાં ધોરણો અને આવશ્યક સાધનો ખરીદવામાં નિષ્ફળતાનાં કારણો જણાવે. કોર્ટ આ સુનાવણી એક જાહેર હિત અરજી (PIL)ના સંદર્ભમાં હતી, જે શરૂઆતમાં પંજાબના મલેરકોટલાના સિવિલ હોસ્પિટલની સ્થિતિને લઈને કરવામાં આવી હતી. ખંડપીઠે આ મુદ્દાને અત્યંત મહત્વપૂર્ણ જાહેર હિતનો મુદ્દો ગણાવી તેનો વ્યાપ વધાર્યો અને હરિયાણા તથા ચંદીગઢને પણ તેમાં સામેલ કર્યાં છે.

મુખ્ય ન્યાયમૂર્તિ નાગૂએ જાહેર સંસ્થાઓની સતત ઘટતી સ્થિતિ તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે એક સમય હતો જ્યારે સરકારી શાળાઓમાં ચમક હતી. હવે તો આપણે ખાનગી શાળાઓની પાછળ દોડીએ છીએ.

પંજાબના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ કુમાર રાહુલએ સોગંદનામામાં જણાવ્યું હતું કે મલેરકોટલા સિવિલ હોસ્પિટલમાં 20 સામાન્ય તબીબોની નિમણૂક કરવામાં આવી છે. તેમાં 11 નવા ડોક્ટરો, 4 જે નિમણૂકની રાહ જોઈ રહ્યા છે અને પાંચ ડોક્ટરો જે ટ્રાન્સફર થયા છે, એમનો સમાવેશ થાય છે. 8 જુલાઈએ આંખના રોગ, રેડિયોલોજી અને પેથોલોજી સહિતના પાંચ નિષ્ણાતોની પણ નિમણૂક કરવામાં આવી હતી. જોકે હંમેશની જેમ સ્ત્રીરોગ તબીબનાં બે પદો ખાલી રહ્યાં છે.

હોસ્પિટલમાં MRI અને સિટી સ્કેન જેવી મહત્વપૂર્ણ મશીનોની અછત હોવાથી ગંભીર દર્દીઓને બીજી હોસ્પિટલમાં રેફર કરવા પડતા હતા, જેને કારણે સારવારમાં વિલંબ થતો હતો.