ટ્રમ્પની ધમકી પછી હાર્વર્ડ યુનિવર્સિટીએ કોર્ટમાં દાખલ કર્યો કેસ

નવી દિલ્હીઃ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ સામે ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. યુનિવર્સિટીએ આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પ વહીવટી તંત્ર રાજકીય દબાણ લાવીને યુનિવર્સિટીના શૈક્ષણિક કાર્યને કન્ટ્રોલ કરવા માંગે છે. હાર્વર્ડે આરોપ લગાવ્યો છે કે આ યુનિવર્સિટીના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

ટ્રમ્પ વહીવટી તંત્રે હાલમાં હાર્વર્ડનું 2.2 બિલિયન ડોલરનું ભંડોળ રોકી દીધું છે. આ સાથે યુનિવર્સિટી તરફથી એવી પણ માગ કરવામાં આવી છે કે તે ઓક્ટોબર, 2023 પછી કેમ્પસમાં બનેલી યહૂદીવિરોધી ઘટનાઓ પર તૈયાર કરાયેલા તમામ અહેવાલો અને ડ્રાફ્ટ્સ પણ સરકારને સુપરત કરે.

વહીવટી તંત્ર ઇચ્છે છે કે આ અહેવાલો તૈયાર કરનારા તમામ લોકોનાં નામ જાહેર કરવામાં આવે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરોએ 12 એપ્રિલે મેસેચ્યુસેટ્સ ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ સામે કેસ પણ કર્યો હતો.યુનિવર્સિટીના ભંડોળ રોકવાની ધમકી સામે પ્રોફેસરોના બે જૂથો દ્વારા આ કેસ કરવામાં આવ્યો હતો. ખરેખરમાં તે સમયે ટ્રમ્પ વહીવટીતંત્ર હાર્વર્ડ યુનિવર્સિટીને આપવામાં આવેલા 9 બિલિયન ડોલરના ફંડની સમીક્ષા કરી રહ્યું હતું.

હાર્વર્ડના પ્રોફેસરોએ ટાંક્યું હતું કે ટ્રમ્પનો નિર્ણય યુએસ બંધારણના પ્રથમ સુધારાનું ઉલ્લંઘન કરે છે. પ્રોફેસરોએ આરોપ લગાવ્યો છે કે યુનિવર્સિટીના ભંડોળમાં કાપ મૂકવો એ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં ટ્રમ્પ પ્રશાસનના નિર્ણય પર રોક લગાવવાની પણ માગ કરવામાં આવી છે.ટ્રમ્પ વહીવટી તંત્રે આરોપ લગાવ્યો હતો કે કેમ્પસમાં યહૂદી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સાથે ભેદભાવ કરવામાં આવે છે.

ગયા વર્ષે, ગાઝામાં ચાલી રહેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધ સામે ઘણી અમેરિકન યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં પ્રદર્શનો યોજાયા હતા. આ પ્રદર્શનોમાં હજારો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અહેવાલ મુજબ 1000થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.