અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે H1B વિઝા માટેની ફીઝમાં (એક લાખ ડૉલર કરવાની) અચાનક વધારો કરી દેવાની સૂચના જે રીતે બહાર પાડી છે, તેને કારણે એવા ઘણા H1B visa હોલ્ડર્સ અને અરજદારો છે, જેઓ આ જાહેરાત સમયે ભારતમાં હતા અથવા ભારત આવવાની યોજના ઘડતા હતા અથવા ભારત આવવા નીકળી ચૂક્યા હતા, તેઓ દરેકને તાત્કાલિક પોતાની યાત્રા અટકાવવી પડી અને યુ.એસ. પરત થવું પડયું. જે તેમની માટે આર્થિક અને માનસિક આઘાત હતો, કારણ કે આ બદલાવને કારણે તેમણે ભારતમાં રહેવાથી એક લાખ ડોલર ભરવા પડશે અથવા તેમના વીઝા કેન્સલ થશે એવી મુંઝવણમાં મુકાઈ ગયા હતા.અમેરિકાનો આ નિર્ણય સ્થાનિક ધોરણે પ્રવર્તતી બેરોજગારીની સમસ્યાને કારણે હોઇ શકે એ સમજી શકાય એવું છે. અમેરિકાનાં નિયમાનુસાર કંપનીઓને એમની જરૂરિયાત અનુસાર સ્થાનિક સ્તરે વ્યક્તિ ન મળતી હોય તો જ એ કંપનીઓ અન્ય દેશના લોકો માટે H1B વિઝાની અરજી કરી શકે છે.
આવા સંજોગોમાં હવે ભારતીયોએ શું કરવું જોઈએ?
- પહેલાં તો એ સમજી લઈએ કે જે અમેરિકન કંપનીઓએ લાયક અને અનુભવી ભારતીયોને નોકરીઓ આપી છે એ લોકોને કોઈ વાંધો નહીં આવે. કેમ કે એમની કંપનીઓએ એક લાખ ડૉલર ભરવા પડશે નહીં. જો ભવિષ્યમાં આ કંપનીઓ ભારતથી કોઈ રિક્રૂટ કરે તો તેમના વિઝાનો પ્રબંધ કંપની પોતે કરશે, કેમ કે કંપનીને તેમની જરૂરિયાત છે અથવા હશે.
- જે વિદ્યાર્થીઓ અમેરિકામાં રહીને ઉચ્ચ અભ્યાસ કરતા હોય અને અમેરિકામાં નોકરી કરતા હોય તેમની કંપનીઓ એકથી ત્રણ વર્ષ સુધીમાં H1B વિઝાની પ્રક્રિયા કરતી હોય છે. જો આવા વિદ્યાર્થીઓ માટે H1B વિઝાનો પ્રબંધ નહીં થઈ શકે તો તેઓએ ભારત પાછા આવવાની તૈયારી રાખવી પડશે.
- જે વિદ્યાર્થીઓ પોતાના વાલીઓના રિટાયરમેન્ટ ફંડમાંથી રકમ વાપરીને અથવા મા-બાપના એકમાત્ર રહેઠાણના ઘર સામે અથવા અન્ય કોઈ રીતે લોન લઈને અમેરિકાનું સ્વપ્ન જોતાં હોય, તેમણે અમેરિકા જવાના પોતાના ખ્યાલ વિશે પુનઃ વિચાર કરવો જરૂરી બને છે. શું અમેરિકામાં લીધેલી માસ્ટરની ડિગ્રી તેમને મદદ કરી શકશે? જો તેમને અમેરિકામાં નોકરી ન મળી શકે તો શું તેઓ અમેરિકામાં ટકી શકશે અને એ લીધેલી લોનની ચુકવણી તેઓ કરી શકશે?હકીકતમાં, આમ પણ ૨૦૨૪ની સરખામણીમાં ૨૦૨૫માં અમેરિકામાં અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા લગભગ ત્રણ દશકમાં અમેરિકામાં H1 વિઝા ઉપર કામ કરતાં આઇટી પ્રોફેશનલ્સે ભારત પાછા ફરવાની ચિંતા કરવાનું મૂકી દીધું છે. કેમ કે આમાંના ઘણાં યુ.એસ.ના નાગરિક અથવા ગ્રીન કાર્ડ હોલ્ડર બની ગયા છે, જેથી તેમની લાઈફ યુ.એસ.માં સેટલ્ડ છે.
અનેક H1B વિઝા ધારકોએ તેમની બચતનું આયોજન કર્યું છે, જેથી જો તેમને ભારત પાછાં ફરવાનું થાય તો તેમને ચિંતા નથી. સદનસીબે મોટાભાગના લોકોએ ઘણી સફળતા મેળવી છે. કેવળ છેલ્લા બે વર્ષમાં વિદ્યાર્થીઓએ પાછા ફરવું પડ્યું છે, જે સિલસિલો હજી સુધી ચાલુ છે. ઘણા લોકો કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશો તરફ પણ વિકલ્પ તરીકે નજર ફેરવી રહ્યા છે. એટલે એક વાત તો નક્કી જ છે કે જો તમે અમેરિકાના કાયમી નાગરિક ન બન્યા હો તો તમારે ભારતમાં કાયમી રહેઠાણ અને બચત માટે તૈયારી રાખવી જ પડશે. જો સ્થળાંતર કરવું પડે તો ભારતમાં ઠરીઠામ થાવ ત્યાં સુધીનાં અમુક વર્ષો સુધી આ બચત તમને ઉપયોગી થઈ શકે.
હવે આગળ શું?
અમેરિકા જવાની યોજના ઘડતા અગાઉ જ વિદ્યાર્થીઓએ તેમની આર્થિક પરિસ્થિતિનો યોગ્ય રીતે ક્યાસ કાઢવો પડશે. જે વિદ્યાર્થીઓ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેઇનિંગ એક્સટેન્શન પર હોય તેમણે બચત કરવા ઉપર ભાર આપવો પડશે અને પાછા ફરવાની તૈયારી રાખવી પડશે.
શું ટ્રમ્પ OPT ના નિયમમાં બદલાવ કરી શકે છે?
આ બાબતે કંઈ કહી ન શકાય, પરંતુ એમના આ નિર્ણયથી અમેરિકન યુનિવર્સિટીઓ અને એને સંલગ્ન અન્ય વ્યવસાયો ઉપર એની અવળી અસર અવશ્ય પડશે. H1Bની વધારી છે, જેને કારણે વધુ આઉટસોર્સિંગ કરવું પડશે. પરંતુ ટ્રમ્પ એ મુદ્દે પછીથી ફરી કોઈ આકરો નિર્ણય લઈ શકે છે. વિઝાની ફી એક લાખ ડૉલર છે. એટલે જે લોકોને H1B વિઝા મળશે એ લોકોએ ત્રણથી છ વર્ષમાં વિઝા ફીની આંશિક અથવા પૂરી રકમ તેમની કંપનીને ચૂકવવી પડશે (જો તેમની કંપની ન ચૂકવે તો). અમેરિકન કાયદા હેઠળ આવી માલિક કંપની તેના કર્મચારીઓ પાસે કાનૂની બોન્ડ કરાવી શકે છે.ટૂંકમાં, આગામી વર્ષોમાં અમેરિકા ઉપરનું અવલંબન ઓછું કરવામાં જ શાણપણ છે. કેમ કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં પણ હવે બદલાવ આવી રહ્યા છે. જો H1B વિઝા ફી મંજૂર થઈ જાય તો નોકરિયાતોએ એમના નોકરીદાતાઓ સાથે ફ્લેક્સિબલ રહેવું પડશે. આ સાથે યોગ્ય ગાઈડ-કન્સલટન્ટ પાસેથી માર્ગદર્શન મેળવવું હિતાવહ રહેશે. મહત્વનું એ છે કે ભારત તેમજ અમેરિકાની જીવનશૈલીની સરખામણી કરવાનું છોડી દેવું અને જો તમારે ભારત પાછું ફરવું પણ પડે તો નિરાશ ન થવું કેમ કે ભારત સરકાર વધુ નોકરીઓનું સર્જન કરવા અને સ્ટાર્ટ-અપ શરૂ કરવા માટે કટિબધ્ધ છે.
(અપૂર્વ પરીખ-અમેરિકા)
(લેખક મૂળ ભારતીય છે, તેમણે અમેરિકામાં અને ભારતમાં અમેરિકન કંપનીમાં પણ ઘણાં વરસો સિનીયર લેવલે જોબ કરી છે અને હાલ નિવૃત છે.)
