ગુજરાતીઓ બિહારીઓને ઓછા ના આંકેઃ લાલુપ્રસાદ યાદવ

પટના: RJDપ્રમુખ લાલુ યાદવે ગુરુવારે બિહાર બંધને લઈને ભાજપ પર મોટો હુમલો કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે બિહાર બંધ દરમિયાન ભાજપ કાર્યકરોએ રાજ્યની મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો. લાલુ યાદવે X હેન્ડલ પર ટ્વીટ કરીને કહ્યું હતું કે શું વડા પ્રધાન મોદીએ ભાજપના કાર્યકર્તાઓને આદેશ આપ્યો છે કે આજે આખા બિહારમાં બિહારની માતાઓ–બહેનો અને દીકરીઓને ગાળોઓ આપો? ગુજરાતીઓએ બિહારીઓને એટલા ઓછામાં ન લેવા જોઈએ. આ બિહાર છે.

ભૂતપૂર્વ CM લાલુ યાદવે આક્ષેપ કર્યો હતો કે ભાજપના કાર્યકરો- સન્માનિત શિક્ષિકાઓ, રાહદારી  મહિલાઓ, વિદ્યાર્થિનીઓ, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને પત્રકારોને ગાળો આપી રહ્યા છે, તેમની સાથે મારપીટ કરીને દુર્વ્યવહાર કરી રહ્યા છે. શું આ યોગ્ય છે? લાલુએ તેને શરમજનક ગણાવ્યું હતું.

તેજસ્વી યાદવે પણ ભાજપ પર નિશાન સાધ્યું

RJD નેતા અને બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે વડા પ્રધાન મોદીની ટીકા કરતાં તેમના પર બિહારની જનતા સાથે “ખોટાં વચનો” કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે વડા પ્રધાનની મંછા પર પણ સવાલ ઊભા કર્યા અને કહ્યું હતું કે ભાજપ ચૂંટણી લાભ માટે બિહારના મતનો ઉપયોગ કરવા માગે છે અને ગુજરાતમાં કારખાનાં લગાવી રહી છે.

બિહાર બંધ દરમિયાન NDAનું પ્રદર્શન

બિહારમાં મહાગઠબંધનના એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વ. માતા વિશે કરાયેલી અપમાનજનક ટિપ્પણીને લઈને NDAએ બિહાર બંધનું આહ્વાન કર્યું છે. તે પહેલાં આજે ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે દરભંગામાં મતદાર અધિકાર યાત્રા કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વ. માતા વિશે કરાયેલી અપમાનજનક ટિપ્પણીની આકરી નિંદા કરી હતી.