ઘુમર રે.. સુરતમાં 12000 બહેનોનું સંગાથે રેકોર્ડબ્રેક ઘુમર

સુરત: રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડાદરા ખાતે રવિવારની રાત્રીએ રાજસ્થાન સમાજની 12000 બહેનોએ રાજસ્થાનના પરંપરાગત ઘુમર નૃત્યની ભવ્ય રજુઆત કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.ગુજરાતનાં ગરબાની જેમ રાજસ્થાનની ઓળખ તેનુ પારંપરિત ઘુમર નૃત્ય છે. ગોડાદરા સ્થિત મરુધર મેદાનમાં પહેલીવાર એક સાથે 12,000 બહેનો અને માતાઓએ ઘુમર નૃત્ય રજૂ કરીને નવો કિર્તિમાન સ્થાપ્યો છે. આ પહેલા રાજસ્થાનના જયપુરમાં 6,000 બહેનો દ્વારા ઘુમર નૃત્યનો રેકોર્ડ હતો, જે હવે સુરતના નામે છે. રાજસ્થાનથી આ કાર્યક્રમમાં રાજસ્થાનનાં કાલબેલીયા ફોક નૃત્યનાં સ્પેશ્યાલિસ્ટ આસા સપેરા આવ્યા હતા. જેનાં ઘુમર નૃત્યનાં સ્ટેપને બહેનો અનુસર્યા હતા, સાથે બોલીવુડનાં ફોક ગાયકો પણ હાજર રહ્યા હતા.

આ સાથે આજના દિવસે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો હોવાથી 12,000 લોકોએ એકસાથે ગંગા આરતી કરી હતી. બનારસનાં ગંગા ધાટથી આરતી કરાવવા ખાસ 11 પંડિતો સુરત આવ્યા હતા અને ગંગા મૈયાની આરતી કરાવી હતી.

(અરવિંદ ગોંડલિયા-સુરત)