અમદાવાદઃ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી કરવા આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઈ -EDII)એ 6 માર્ચ, 2023એના કેમ્પસમાં ‘વીમેન ઇન લીડરશિપ કોન્ક્લેવ’નું આયોજન કર્યું હતું. આ કોન્ક્લેવનું ઉદઘાટન ચીફ ગેસ્ટ (મુખ્ય અતિથિ) રાષ્ટ્રીય મહિલા પંચ (NCW)નાં ચેરપર્સન રેખા શર્માએ કર્યું હતું. આ પ્રસંગે ગેસ્ટ ઓફ ઓનર, એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સટીઝના સેક્રેટરી જનરલ ડો. પંકજ મિત્તલ, ગુજરાત સરકારના નાણાં વિભાગ (આર્થિક બાબતો)નાં પ્રિન્સિપલ સેક્રેટરી મોના ખંધાર, HSBC ઇન્ડિયાના કોર્પોરેટ સસ્ટેનેબિલિટીનાં વાઇસ પ્રેસિડન્ટ રોમિત સેન અને ફિક્કી એફએલઓનાં ચેરપર્સન ડો. રચના ગેમાવત તથા EDIIના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લા ઉપસ્થિત રહ્યાં હતાં.
મહિલા ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ અને શિક્ષાવિદો તેમ જ વિવિધ ક્ષેત્રોમાંથી નિષ્ણાતોને સંબોધન કરતાં તેમણે ઉદઘાટન સંબોધનમાં કહ્યું હતું કે સમાજમાં મહિલાઓની સામાજિક અને આર્થિક સ્થિતિને સુધારવા જાગૃતિ લાવવાની જરૂર છે, જેમાં શિક્ષણ, તાલીમ અને સાથસહકાર કે મદદ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. અમે વધુ ને વધુ મહિલાઓ આગળ આવે અને તેમની પરંપરાગત ભૂમિકાઓમાંથી બહાર આવે તેમ જ તેમની વૃદ્ધિ માટે મુશ્કેલરૂપ અવરોધો દૂર કરે એવું ઇચ્છીએ છીએ.
ડો. શુક્લાએ તેમની પ્રારંભિક ટિપ્પણીઓમાં કહ્યું હતું કે જ્યારે મહિલાઓને તેમની રચનાત્મકતા અને નવીનતાને ખીલાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યારે અર્થતંત્ર સંતુલિત વૃદ્ધિ અનુભવી શકે છે.ગેસ્ટ ઓફ ઓનર, એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝના સેક્રેટરી જનરલ ડો. પંકજ મિત્તલે કહ્યું હતું કે મહિલાઓ મોટાં સ્વપ્નો લઈને બહાર નીકળે છે, પરંતુ જેમ-જેમ તેઓ ટોચના મુકામ તરફ આગળ વધે છે, તેમ તેમ તેમની ભાગીદારી અને પ્રતિનિધિત્વમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
ભારત સરકારના નાણાં વિભાગ (આર્થિક બાબતો)નાં પ્રિન્સિપલ સેક્રેટરી મોના ખંધારે કહ્યું હતું કે ગુજરાત MSME ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કામગીરી ધરાવે છે અને આ ક્ષેત્રમાં મહિલાઓ ચાવીરૂપ ભૂમિકા ભજવી રહી છે.
આ કોન્ક્લેવના ભાગરૂપે EDIIએ તાલીમ આપેલી મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા એક પ્રદર્શનનું આયોજન પણ થયું હતું. EDIIના સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ ઓફ ડિફરન્ટલી-એબલ્ડ (CEDA), હેન્ડમેડ ઇન ઇન્ડિયા (HMI) પ્રોજેક્ટ, હસ્તકલા સેતુ યોજના અને સેન્ટર ફોર એડવાન્સિંગ એન્ડ લોંચિંગ એન્ટરપ્રાઇઝીસ (ક્રેડલ) અંતર્ગત મહિલા ઉદ્યોગસાહસિકોએ સેન્ટર ફોર એડવાન્સિંગ એન્ડ લોંચિંગ એન્ટરપ્રાઇઝીસ (ક્રેડલ) અંતર્ગત મહિલા ઉદ્યોગસાહસિકોએ પ્રદર્શનમાં તેમની કળા અને ઉત્પાદન પ્રદર્શિત કર્યાં હતાં.
